Mumbai Indians Head Coach: મુંબઈ ઈન્ડિયન્સે IPL 2027 પહેલાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર કિરોન પોલાર્ડને હેડ કોચની જવાબદારી સોંપી છે. અગાઉ બેટિંગ કોચ તરીકેની ભૂમિકા ભજવતા પોલાર્ડને હવે બઢતી આપીને મુંબઈ ઈન્ડિયન્સના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે, જેનાથી ફ્રેન્ચાઈઝી સાથેનો તેમનો લાંબા સમયનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમમાં તેઓ મહેલા જયવર્દનેનું સ્થાન લેશે.
એક નિવેદનમાં મુંબઈ ઈન્ડિયન્સે જણાવ્યું હતું કે, અમને કિરોન પોલાર્ડને હેડ કોચના પદ પર બઢતી આપવાની જાહેરાત કરતા આનંદ થાય છે. કિરોનને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ, તેની સંસ્કૃતિ અને ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટે જરૂરી બાબતોની ઊંડી સમજ છે. T20 ક્રિકેટના વિકાસને નજીકથી જોનારા પોલાર્ડને રમતની બદલાતી ગતિશીલતા, વ્યૂહાત્મક જરૂરિયાતો અને સતત સ્પર્ધાત્મક બનતા વાતાવરણની સારી સમજ છે.
કિરોન પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સના માલિકો તેમજ સમગ્ર મુંબઈ ઈન્ડિયન્સ પરિવારનો તેમના પર વિશ્વાસ મૂકવા બદલ આભાર માન્યો હતો. ફ્રેન્ચાઈઝી સાથેના પોતાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેઓ ટીમની પરંપરાને આગળ વધારવા, પ્રતિભાઓને વિકસાવવા અને ચાહકોને સેલિબ્રેશનની વધુ તકો આપવા માટે ઉત્સુક છે. પોલાર્ડે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સ માટે હેડ કોચની ભૂમિકા સંભાળવી એ મારા માટે સન્માનની વાત છે.
કિરોન પોલાર્ડે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સ મારા જીવન અને કારકિર્દીનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. આ ટીમ, તેના ખેલાડીઓ અને ચાહકો સાથે મારો જે સંબંધ છે, તે મારા માટે ખૂબ જ અર્થપૂર્ણ છે. આ સફરનો એક ભાગ રહીને પહેલા ખેલાડી તરીકે અને પછી કોચ તરીકે હું મુંબઈ ઈન્ડિયન્સના મહત્વને અને બ્લુ એન્ડ ગોલ્ડ જર્સીનું પ્રતિનિધિત્વ કરવાની સાથે આવતી વિશાળ જવાબદારીને સારી રીતે સમજું છું.