Vikram Samvat 2083 Rashifal: વિક્રમ સંવત 2083માં કર્ક રાશિના જાતકો પર થશે લક્ષ્મીજી અને ગુરુ કૃપા: જાણો કેવું રહેશે નવું વર્ષ
વિક્રમ સંવત 2083ની શરૂઆત થવાની છે. નવું વર્ષ દરેક જાતકો માટે નવી આશા અને ઉત્સાહ લાવવાનું છે. આગામી નવું વર્ષ કર્ક રાશિના જાતકો માટે ખાસ રહેવાનું છે. કર્ક રાશિના જાતકોને નોકરી-વ્યવસાયમાં લાભ મળશે. આ વર્ષ દરમિયાન તમે આર્થિક પ્રગતિ કરશો.
જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, વિક્રમ સંવત ૨૦૮૩ કર્ક રાશિના જાતકો માટે પ્રગતિ, સમૃદ્ધિ અને મહત્વપૂર્ણ પરિવર્તનોનું વર્ષ બની શકે છે. ગુરુ, શનિ તથા રાહુ-કેતુની બદલાતી ગ્રહસ્થિતિથી જીવનમાં નવી તકો ઊભી થશે. ખાસ કરીને જૂન પછી ભાગ્યનો સાથ વધશે અને લાંબા સમયથી અટકેલાં કાર્યોમાં સફળતા મળવાના યોગ સર્જાશે. આર્થિક વિકાસની સાથે સામાજિક માન-સન્માનમાં પણ વધારો થઈ શકે છે.
નોકરી અને કારકિર્દી
નોકરિયાત વર્ગ માટે આ વર્ષ પ્રગતિશીલ રહેશે. જૂન પછી મહેનતનું સારું ફળ મળવાની શક્યતા છે. પ્રમોશન, પગારવધારો અને ઉચ્ચ હોદ્દાની તકો મળશે. સરકારી નોકરી માટે પ્રયત્નશીલ જાતકોને પણ સફળતાના યોગ છે. કાર્યસ્થળે અધિકારીઓનો સહયોગ મળશે. જોકે ઓગસ્ટ દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો સાવચેતીથી લેવા.
વેપાર અને વ્યવસાય
વેપારીઓ માટે નવા પ્રોજેક્ટ અને વ્યવસાયના વિસ્તરણની તકો ઊભી થશે. વિદેશી કંપનીઓ, આયાત-નિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય સાથે સંકળાયેલા જાતકોને લાભ થઈ શકે છે. નવી ભાગીદારી અને વ્યવસાયિક સંપર્કો લાભદાયક રહેશે. મોટા રોકાણ કરતાં પહેલાં યોગ્ય આયોજન કરવું.
- આ પણ વાંચોઃ વિક્રમ સંવત 2083 મેષ રાશિ માટે કેવું રહેશે? જાણો નોકરી, વેપાર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ રાશિફળ
આર્થિક સ્થિતિ
આર્થિક દૃષ્ટિએ વર્ષ આશાસ્પદ રહેશે. આવકમાં વધારો અને અગાઉ અટકેલાં નાણાં મળવાની શક્યતા છે. જૂની લોન કે દેવામાંથી રાહત મળી શકે છે. ઘર, વાહન અને સુખ-સુવિધાઓ પાછળ ખર્ચ થશે. નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન મિલકત સંબંધિત બાબતોમાં અનુકૂળતા રહેશે. જોકે શેરબજાર અને જોખમી રોકાણમાં ઉતાવળ ટાળવી.
ભાગ્ય અને સફળતા
ભાગ્યનો સાથ મળવાથી અટકેલાં કાર્યો પૂર્ણ થશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. ધાર્મિક યાત્રા અને શુભ પ્રસંગોના યોગ બનશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે તથા મહત્વપૂર્ણ વ્યક્તિઓનો સહયોગ મળશે.
કૌટુંબિક અને દાંપત્યજીવન
પારિવારિક જીવનમાં સુખ-શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે સંબંધો વધુ મજબૂત બનશે. ઘરમાં ધાર્મિક કે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. અપરિણીત જાતકો માટે લગ્નના શુભ યોગ બનશે. પ્રેમસંબંધો લગ્નમાં પરિણમવાની શક્યતા છે.
મહિલાઓ માટે
કર્ક રાશિની મહિલાઓ માટે આ વર્ષ વિશેષ અનુકૂળ રહેશે. પરિવાર અને સમાજમાં માન-સન્માન વધશે. નોકરી કરતી મહિલાઓને પ્રમોશન અને પ્રગતિની તક મળશે. ગૃહિણીઓના લાંબા સમયથી અટકેલાં કાર્યો પૂર્ણ થશે. સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવતી મહિલાઓ માટે ઓક્ટોબર પછી અનુકૂળ યોગ બની શકે છે.
વિદ્યાર્થીઓ માટે
વિદ્યાર્થીઓને સફળતા માટે વધુ મહેનત કરવી પડશે. ગુરુના પ્રભાવથી બુદ્ધિ અને યાદશક્તિમાં વૃદ્ધિ થવાના યોગ છે. મેડિકલ, એન્જિનિયરિંગ, આર્ટ્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળી શકે છે. વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને પણ નવી તકો મળશે.
સ્વાસ્થ્ય
સ્વાસ્થ્યમાં અગાઉની તકલીફોમાં રાહત મળી શકે છે. જોકે શરદી, ઉધરસ, પાચનતંત્ર અને છાતી સંબંધિત સમસ્યાઓ પ્રત્યે સાવચેતી રાખવી. માનસિક ચિંતા અને વધુ પડતા કામના ભારણથી દૂર રહેવું. નિયમિત આહાર, યોગ અને પૂરતો આરામ લાભદાયક રહેશે.
વર્ષનું વિશેષ ફળ
વિક્રમ સંવત ૨૦૮૩ કર્ક રાશિના જાતકો માટે ભાગ્યોદય, આર્થિક વિકાસ અને સફળતાની નવી તકો આપનારું બની શકે છે. જૂન પછી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ વધુ મજબૂત બનશે. પારિવારિક સુખ, સામાજિક પ્રતિષ્ઠા અને ધનલાભની સંભાવનાઓ વચ્ચે યોગ્ય આયોજન અને સમજદારીથી લીધેલા નિર્ણયો વર્ષને વધુ સફળ બનાવશે.