ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, વિક્રમ સંવત ૨૦૮૩ મેષ રાશિના જાતકો માટે અનેક મહત્વપૂર્ણ પરિવર્તનો લઈને આવી રહ્યું છે. વર્ષ દરમિયાન ગુરુ, શનિ તથા રાહુ-કેતુની બદલાતી ગ્રહસ્થિતિની અસર કારકિર્દી, વેપાર, આર્થિક સ્થિતિ, પરિવાર અને સ્વાસ્થ્ય પર જોવા મળશે. વર્ષની શરૂઆતમાં કેટલીક બાબતોમાં સંઘર્ષ અને વિલંબનો સામનો કરવો પડે, પરંતુ સમય જતાં અટકેલાં કાર્યોમાં ગતિ આવશે. ખાસ કરીને જૂન પછી પ્રગતિની નવી તકો ઊભી થવાની સંભાવના છે.
નોકરિયાત વર્ગ માટે વર્ષનો પ્રારંભ સામાન્ય રહેશે. કામનું ભારણ અને જવાબદારીઓ વધી શકે છે. જોકે જૂન પછી પરિસ્થિતિમાં સકારાત્મક બદલાવ આવશે. પ્રમોશન, પગારવધારો અથવા નવી જવાબદારી મળવાના યોગ છે. લાંબા સમયથી નોકરી બદલવા ઇચ્છતા જાતકોને સારી તક મળી શકે છે. ઉપરી અધિકારીઓનો સહયોગ મળવાથી અટકેલાં કાર્યો પૂર્ણ થશે.
વેપારીઓ માટે આ વર્ષ નવી યોજનાઓ અમલમાં મૂકવાનું રહેશે. વ્યવસાયના વિસ્તરણ માટે અનુકૂળ સંજોગો ઊભા થશે, પરંતુ ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન મોટા રોકાણ અને ભાગીદારીના નિર્ણયોમાં સાવચેતી જરૂરી રહેશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો આર્થિક મુશ્કેલી સર્જી શકે છે. વર્ષના ઉત્તરાર્ધમાં વેપારમાં સુધારો અને નવા સંપર્કોથી લાભ થવાના યોગ છે.
ધનપ્રાપ્તિની નવી તકો મળવા છતાં ખર્ચનું પ્રમાણ વધવાની શક્યતા છે. આવક અને જાવક વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બનશે. શેરબજાર, સટ્ટાકીય વ્યવહારો અને જમીન-મકાનના સોદામાં વિશેષ સમજદારી રાખવી. વર્ષના મધ્યભાગમાં આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. આકસ્મિક ખર્ચને પહોંચી વળવા બચત પર ધ્યાન આપવું લાભદાયક રહેશે.

ગુરુની બદલાતી સ્થિતિને કારણે જૂન પછી ભાગ્યનો સાથ મળવાની સંભાવના વધશે. અગાઉ કરેલી મહેનતનું ફળ મળી શકે છે. અટકેલાં સરકારી કે વહીવટી કાર્યો આગળ વધશે. ઓક્ટોબર પછી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થવાના યોગ છે.
પારિવારિક બાબતોમાં વર્ષ મિશ્ર પરિણામ આપનારું રહેશે. પરિવારના સભ્યો વચ્ચે નાની-મોટી ગેરસમજ ઊભી થઈ શકે છે. ખાસ કરીને ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં વાણીનો સંયમ રાખવો. ઘરના વડીલોના સ્વાસ્થ્યની કાળજી લેવી. વર્ષના અંતિમ ભાગમાં પરિવાર સાથે શુભ પ્રસંગ કે ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. અપરિણીત જાતકો માટે લગ્નસંબંધિત ચર્ચાઓ આગળ વધશે.
પ્રેમસંબંધો
પ્રેમજીવનમાં વર્ષ દરમિયાન કેટલીક ગેરસમજ કે મતભેદ સર્જાઈ શકે છે. જોકે ઓક્ટોબર પછી સંબંધોમાં મધુરતા વધશે. યોગ્ય સમજણ અને વિશ્વાસથી સંબંધો વધુ મજબૂત બની શકે છે. લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓ માટે વર્ષનો ઉત્તરાર્ધ અનુકૂળ રહેશે.
મહિલાઓ માટે
મેષ રાશિની મહિલાઓ માટે આ વર્ષ આત્મવિશ્વાસ અને પ્રગતિનું રહેશે. નોકરી કરતી મહિલાઓને જૂનથી ઓક્ટોબર દરમિયાન પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. ગૃહિણીઓના સામાજિક માન-સન્માનમાં વધારો થશે. નવું કાર્ય કે સ્વરોજગાર શરૂ કરવા ઇચ્છતી મહિલાઓને અનુકૂળ તક મળશે. જોકે વર્ષના અંતમાં સાસરી પક્ષ સાથેના સંબંધોમાં સમજદારી રાખવી જરૂરી બનશે.
વિદ્યાર્થીઓ માટે
અભ્યાસની દૃષ્ટિએ વર્ષ મહેનત માગનારું રહેશે. શરૂઆતમાં એકાગ્રતાનો અભાવ કે અભ્યાસમાં અવરોધ અનુભવાઈ શકે છે. સપ્ટેમ્બર પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને સારા પરિણામ મળવાની સંભાવના છે. યોગ્ય આયોજન અને નિયમિત મહેનત સફળતામાં મદદરૂપ થશે.
સ્વાસ્થ્ય
વર્ષ દરમિયાન માનસિક તણાવ, થાક અને નાની-મોટી શારીરિક તકલીફો અનુભવાઈ શકે છે. ખાસ કરીને વર્ષના પ્રારંભમાં સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ અને સંતુલિત આહાર પર ધ્યાન આપવું.
વર્ષનું વિશેષ ફળ
વિક્રમ સંવત ૨૦૮૩ મેષ રાશિના જાતકો માટે શરૂઆતમાં પડકારો અને ત્યારબાદ પ્રગતિના માર્ગ ખોલનારું વર્ષ બની શકે છે. નોકરીમાં ઉન્નતિ, વ્યવસાયમાં નવી તકો, સામાજિક પ્રતિષ્ઠા અને અટકેલાં કાર્યોમાં સફળતાના યોગ બનશે. જોકે આર્થિક વ્યવહારો અને સંબંધોમાં ધીરજ તથા વિવેક રાખવો જરૂરી રહેશે.
જાણીતા જ્યોતિષી ચેતન પટેલ