દિવાળી સમયે ઘરને શણગારવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવામાં આવે છે અને રંગોળી કરવામાં આવે છે. તોરણમાં લોકો અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો બજારમાં મળતા રેડીમેટ તોરણનો ઉપયોગ કરે છે તો ઘણા લોકો આંબાના પાન કે આસોપાલવના પાનનું તોરણ લગાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દિવાળીના પર્વ દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવું જરૂરી છે. ઘરના દરવાજા પર તોરણ શા માટે લગાડવું અને તેનું મહત્વ શું છે? સૌથી પહેલા એ જાણીએ.
ધાર્મિક માન્યતા અનુસાર તોરણ શુભ સામગ્રીઓથી બનાવેલું હોય છે. જેમાં લીલા પાન, ફુલ અને સુતરના દોરાનો ઉપયોગ થયો હોય છે. શુભ વસ્તુઓથી બનેલું તોરણ ઘરના મુખ્ય દ્વાર લગાડવાથી સકારાત્મકતા સુખ અને સમૃદ્ધિ આકર્ષિત થાય છે. જોકે હવે તો બજારમાં રેડીમેટ તોરણ પણ મળવા લાગ્યા છે. આવા તોરણનો ઉપયોગ કરતા પહેલા એ જાણી લેવું જોઈએ કે ઘરના મુખ્ય દરવાજા પર દિવાળીના પર્વ દરમિયાન કયા પ્રકારના તોરણનો ઉપયોગ કરવો જોઈએ અને કયા પ્રકારના તોરણ લગાડવાનું ટાળવું જોઈએ. તો ચાલો જાણીએ દિવાળી સમયે ઘરના મુખ્ય દરવાજા પર કેવું તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે.
આંબાના પાનનો ઉપયોગ પાઠ, પૂજા અને શુભ કાર્યમાં કરવામાં આવે છે. કળશ સ્થાપના કરવાની હોય તો પણ આંબાના પાનનો ઉપયોગ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર આંબાના તાજા પાનથી બનાવેલું તોરણ લગાવવું અત્યંત શુભ છે. આંબાના પાન સુખ સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. દિવાળીના પર્વ પર ઘરના દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવું હોય તો આંબાના ઝાડ પરથી આખા પાન તોડવા અને સુતરના દોરામાં આંબાના પાન પરોવીને જાતે તોરણ બનાવવું.
આંબાના પાનની જેમ આસોપાલવના પાનનું તોરણ પણ ઘરમાં લગાડવામાં આવે છે. આસોપાલવનું ઝાડ પણ શુભતા અને સમૃદ્ધિ નું પ્રતીક છે. આસોપાલવના આખા પાન તોડી તેનું તોરણ બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવું શુભ માનવામાં આવે છે. જો તમારા ઘરની નજીક આસોપાલવના ઝાડ હોય તો તમે જાતે આ તોરણ બનાવી શકો છો.
ઘરના મુખ્ય દરવાજા પર પીળા ફૂલથી બનેલું તોરણ પણ લગાડી શકાય છે. ઘણા લોકો પીળા ફૂલ અને લીલા પાનથી બનેલું તોરણ ઘરના મુખ્ય દરવાજા પર લગાડે છે. આ પ્રકારનું તોરણ પણ શુભ ગણાય છે. જોકે ફૂલનું તોરણ લગાવ્યું હોય તો એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે ફુલ કરમાઈ જાય ત્યારે તોરણ ઉતારી લેવું કરમાયેલા ફૂલનું તોરણ દરવાજા પર રાખવું અશુભ ગણાય છે.
જો તમે રેડીમેડ તોરણનો ઉપયોગ કરવા માંગો છો તો તેમાં મોતી, કોડી જેવી શુભ વસ્તુઓથી બનેલા તોરણનો ઉપયોગ કરી શકાય છે. તોરણ ખરીદી વખતે તેના રંગનું ખાસ ધ્યાન રાખવું. મુખ્ય દ્વાર માટે લીલો, લાલ, પીળો રંગ શુભ ગણાય છે. તોરણ ખરીદીથી વખતે એ વાત પર પણ ધ્યાન આપવું કે તેમાં વપરાયેલી સામગ્રી તૂટેલી ન હોય. તૂટેલું તોરણ લગાડવું અશુભ ગણાય છે.
જો તમે આંબા કે આસોપાલવના પાનનું રેડીમેડ તોરણ લાવીને દિવાળી સમયે ઘરના દરવાજા પર લગાવો છો. તો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તોરણમાં વપરાયેલા પાન સુકાયેલા કે વાસી ન હોય. તોરણ હંમેશા તાજા પાનનું બનેલું હોય તેવું જ લેવું. તોરણના પાન જ્યારે સુકાવા લાગે તો તુરંત જ તેને ઉતારી લેવું જોઈએ. સુકાયેલા પાનનું તોરણ દિવસો સુધી ઘરના મુખ્ય દરવાજા પર રાખવું નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)