8 નવેમ્બર 2026 અને રવિવારના રોજ દિવાળીની ઉજવણી થઈ રહી છે. આ વર્ષે લક્ષ્મી પૂજા કરવાના ત્રણ મુહૂર્ત છે. જેમાં સૌથી પહેલું મુરત સાંજે 5.54 થી 7.50 સુધીનું રહેશે. લક્ષ્મી પૂજા કરવાનું આ સૌથી શુભ મુહૂર્ત છે. જો આ સમયમાં લક્ષ્મી પૂજન થાય તો સૌથી શ્રેષ્ઠ ગણાય. ત્યાર પછીનું શુભ મુહૂર્ત 8.11 થી શરૂ થશે જે 10.52 મિનિટ સુધી રહેશે. દિવાળીનું આ નિશિથ કાળનું મુહૂર્ત છે. આ સમય દરમિયાન અમૃત અને ચલ ચોઘડિયું રહેશે. જો આ મુહર્તમાં પણ પૂજા ન થઈ શકે તો મહાનિશિથ કાળનું મુહૂર્ત રાત્રે 11.44 થી 12.36 મિનિટનું છે. જોકે નિષ્ણાંતો અનુસાર સાંજે 5.54 થી 7.50 મિનિટ નું મુહૂર્ત અત્યંત શુભ છે.. આ સમયે જ ઘરમાં પૂજા કરવી સૌથી શ્રેષ્ઠ રહેશે.
- ઘરની ઉત્તર પૂર્વ દિશાને સાફ કરી ત્યાં લાકડાની ચોકી પર લાલ વસ્ત્ર પાથરો. તેના પર ભગવાન ગણેશ માતા લક્ષ્મીનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરો.
- એક તાંબાના કળશમાં પાણી ભરો અને તેમાં સિક્કો પધરાવો. બાજોઠ પર થોડા ચોખા રાખી તેના પર કળશની સ્થાપના કરો.
- ભગવાન સમક્ષ ઘીનો દીવો કરો. ત્યાર પછી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને કંકુ ચોખા તેમજ ફુલ અર્પણ કરો. ભગવાનને મીઠાઈ અને ફળનો ભોગ ધરાવો.
- નીચે આપેલા લક્ષ્મીજીના મંત્રનો જાપ કરો અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. છેલ્લે માં લક્ષ્મી અને ભગવાન ગણેશની આરતી ઉતારો. - આરતી કર્યા પછી પરિવાર સાથે માં લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ લઈ પ્રસાદ ગ્રહણ કરો.
ॐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ॐ મહાલક્ષ્મ્યૈ નમ:
લક્ષ્મીજીની પૂજા કરવા ઉપરાંત દિવાળીની રાત્રે ધન પ્રાપ્તિના કેટલાક ઉપાયો પણ કરી શકાય છે. માન્યતા છે કે આ ઉપાયો કરવાથી આર્થિક તંગીથી છુટકારો મળે છે. ધન પ્રાપ્તિના બે ઉપાયો સૌથી વધારે પ્રભાવી ગણાય છે.
1. દિવાળીની પૂજા કરતા હોય ત્યારે માતા લક્ષ્મીના ચરણોમાં 5 પીળી કોળી અર્પણ કરો. પૂજા થઈ જાય પછી કોડીને માતા લક્ષ્મી પાસે જ રાખો અને બીજા દિવસે સવારે સ્નાન કરીને પાંચ કોડીને લાલ રંગના રેશમી કપડામાં બાંધી તિજોરીમાં રાખી દો.
2. કોડી સિવાય તમે ગોમતી ચક્રનો ઉપયોગ પણ કરી શકો છો. પૂજા દરમિયાન ત્રણ કે પાંચ ગોમતી ચક્ર લક્ષ્મીજી સામે રાખો અને ધન સમૃદ્ધિની કામના કરો. બીજા દિવસે સવારે લાલ રંગના કપડામાં ગોમતી ચક્ર બાંધીને તિજોરીમાં રાખી દો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)