Ambalal Patel Rain Forecast: રાજ્યમાં નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા વચ્ચે નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે કે કેમ તેને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મહત્વની આગાહી સામે આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. જોકે, ખેલૈયાઓને વરસાદ કરતાં ગરમી અને ઉકળાટનો વધુ સામનો કરવો પડી શકે છે. 11 અને 12 ઓક્ટોબર દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી વધી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગરબાના શરૂઆતના દિવસોમાં પરસેવાથી ખેલૈયાઓ પરેશાન થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 13થી 15 ઓક્ટોબરે દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે. 16થી 18 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણ બદલાશે તથા દક્ષિણ ગુજરાતમાં ક્યાંક હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. 21થી 26 ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેવાની અને ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. 27થી 29 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાઈ શકે છે અને દરિયાકાંઠે પવનની ગતિ વધી શકે છે.
2/4
ગુજરાતના ખેડૂતો માટે સાવચેતીના પગલા લેવાયા
ઓક્ટોબરના અંતિમ સપ્તાહ દરમિયાન વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે ખેતરમાં કાપણી કરીને પાથરેલા પાક તથા અન્ય સામગ્રીમાં ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે. આથી અંબાલાલ પટેલે ખેડૂતોને આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવા સલાહ આપી છે.
3/4
આગામી 7 દિવસ ગુજરાતમાં હવામાન સૂકું રહેશે
આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. તાપમાનમાં પણ કોઈ મોટા ફેરફારના સંકેત નથી. હાલમાં નીચલા સ્તરે ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
4/4
ગુજરાત સહિત દેશમાંથી ચોમાસું ઝડપથી લઈ રહ્યું છે અલવિદા
બીજી તરફ દેશમાંથી ચોમાસું ઝડપથી અલવિદા કહી રહ્યું છે. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. આગામી 3થી 4 દિવસમાં પૂર્વ ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના અન્ય ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય માટે સાનુકૂળ પરિસ્થિતિ બની રહી છે. તેથી સમગ્ર રીતે જોતાં, જો અલ નીનો જેવી ખાસ અસર ન સર્જાય તો આ નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન બનવાની શક્યતા નહિવત્ છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે.