SPO Murder Case: જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 2 એસપીઓની હત્યાની ઘટના બની હતી. આ મામલે પોલીસ એ 3 આતંકીઓના ફોટો, નામ અને ઈનામની જાહેરાત કરી છે. બુધવારના રોજ એસપીઓ ઋષિપાલ અને બોબી ચંદનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે બંનેની બોડી જંગલમાંથી મળી હતી. આ ઘટનામાં જૈશ એ મોહમ્મદના આતંકીઓની સંડોવણી હોવાની શંકા છે. જેના આધારે પોલીસે આતંકી જહાંગીર સરુરી, રિયાઝ અહમદ હઝારી અને મુદ્દસર હુસૈનના નામ તેમજ ફોટો જાહેર કર્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઘાટીમાં ભયનું વાતાવરણ ઊભું કરવા માટે 3 આતંકીઓએ 2 એસપીઓનું અપહરણ કરી તેમની હત્યા કરી હોવાનું અનુમાન છે. આ મામલે પોલીસે ત્રણેય આતંકીઓ પર 30 લાખનું ઈનામ જાહેર કર્યું છે. સાથે જ સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી છે કે આ 3 આતંકીઓની જાણકારી આપનારને 30 લાખનું ઈનામ મળશે. કિશ્તવાડના શહેરી વિસ્તારોમાં 3 આતંકીઓના ફોટો સાથેના પોસ્ટર પણ લગાડવામાં આવ્યા છે.
મહત્વનું છે કે કિશ્તવાડ જમ્મુ કાશ્મીરનો સંવેદનશીલ વિસ્તાર છે. અહીં ફેબ્રુઆરી મહિનામાં ઓપરેશન ક્લીન ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત 7 આતંકીઓને ઠાર કરાયા હતા. ત્યારબાદથી અત્યાર સુધી આ વિસ્તારમાં શાંતિનું વાતાવરણ હતું. કિશ્તવાડમાં ફરીથી ભયનું વાતાવરણ ઊભું કરવા માટે 2 એસપીઓની હત્યા કરવામાં આવી.
આ કેસમાં એવી પણ જાણકારી સામે આવી છે કે જે 2 એસપીઓનું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે તે બંને આતંકી જહાંગીર સરૂરીની હલચલ પર નજર રાખી રહ્યા હતા. પોલીસને આશંકા છે કે આ વાતની જાણ આતંકી નેટવર્કને થઈ હોય જેના કારણે બંનેની હત્યા કરવામાં આવી હોય.
શહીદ થયેલા એસપીઓ ઋષિપાલ અને બોબી ચંદ એસઓજીનો ભાગ હતા. જ્યારે આ ઘટના બની ત્યારે બંને અધિકારી બસનાનમાં તૈનાત આર્મીની 17 મી રાષ્ટ્રીય રાયફલ્સ ટીમને રિલીવ કરવા જઈ રહ્યા હતા. પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા નહીં એટલે બંનેની તપાસ શરુ કરવામાં આવી. તપાસ દરમિયાન બીજા દિવસે તેમના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા. તેમના શરીર પર ગોળીઓના નિશાન હતા. અધિકારીના જણાવ્યા અનુસાર બંનેના સર્વિસ હથિયાર પણ ગાયબ છે.