આજે ઉત્તર પ્રદેશ ચૂંટણીને લઈને AIMIM ના સુપ્રીમો ઓવૈસી અને ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. બંનેએ ગઠબંધન કરીને સામાજિક પરિવર્તન મોરચાની જાહેરાત કરી છે. આ ગઠબંધન હેઠળ તેઓ ઉત્તર પ્રદેશની 150 થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે.
આ ગઠબંધનની જાહેરાત કરતી વખતે ઓવૈસીએ એવું કહ્યું હતું કે જે લોકો 2014 થી 2024 સુધીમાં ભાજપને હરાવી શક્યા નથી તેમને મત આપવાથી કોઈ ફાયદો નથી. ઓવૈસીએ એવું પણ કહ્યું કે કોંગ્રેસ અને સપા ભાજપને રોકી નહી શકે. પણ આજે જે ગઠબંધનની જાહેરાત થઈ છે તે મજબૂત હશે. તેમના ગઠબંધનમાં એટલી ઈમાનદારી છે કે તેઓ સાથે મળીને ભાજપને રોકવામાં સફળ થશે.
ગઠબંધનની જાહેરાત કરતી વખતે બંને પાર્ટીના નેતાઓએ મીડિયા સામે પોતાને વાત રજૂ કરી હતી. આ તકે તેમણે એવું પણ કહ્યું હતું કે ભાજપને રોકવા માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પણ તેમના ગઠબંધન સાથે જોડાવા માંગે છે તો તેઓ આવી શકે છે. ઓવેસીએ એવું કહ્યું કે તેઓ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને ફરી એક વખત ઓફર કરે છે કે તેમના ગઠબંધન સાથે જોડાઈ જાય અને તેઓ સાથે મળીને ભાજપને હરાવે. નહીં તો અહંકાર કરનાર લોકોની હાલત આરજેડી જેવી થઈ જશે.
ઓવૈસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે લોકો ઘમંડ કરે છે તેમની હાલત આરજેડી સુપ્રીમો તેજસ્વી યાદવ જેવી થઈ જશે. જો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી તેમના ગઠબંધન સાથે જોડાશે તો બચી જશે નહીં તો 2027માં 27 પર જ અટકી જશે.