રવિવારે 1 નવેમ્બરે કોંગ્રેસ દ્વારા આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીની શરૂઆત કનોટ પ્લેસ થી થશે અને શાંતિપૂર્ણ માર્ચ કરીને વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓ રામલીલા મેદાન સુધી પહોંચશે. રેલીમાં સામેલ થવા માટે રાહુલ ગાંધીએ લોકોને પણ અપીલ કરી હતી જેને લઈને મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવના ને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. આ રેલીમાં દિલ્હી પોલીસના કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પોતે સુરક્ષામાં તેના રહેશે અને કાર્યક્રમનું નિરીક્ષણ કરશે.
જાણવા મળતી માહિતી અનુસાર રેલીમાં સુરક્ષા માટે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં માર્ચના રસ્તાથી લઈને રામલીલા મેદાન સુધીમાં 4,000 થી વધુ પોલીસ કર્મીઓ, સીએપીએફની ટુકડીઓ તેના રહેશે. રામલીલા મેદાનમાં પણ 14 સુરક્ષા ઝોન ઉભા કરવામાં આવ્યા છે. દરેક ઝોનની દેખરેખ આસિસ્ટન્ટ કમિશનર રેન્જના અધિકારી કરશે.
સમગ્ર આયોજન પર નજર રાખવા માટે 200 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને સાથે જ સુરક્ષામાં તૈનાત અધિકારીઓ બોડી કેમેરાનો ઉપયોગ પણ કરશે. સાથે જ ડ્રોનથી પણ દરેક હરકત પર નજર રાખવામાં આવશે. રામલીલા મેદાનમાં પણ એક કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. આજની મહારેલી સવારે 10:00 કલાક થી શરૂ થવાની છે જેને લઈને દિલ્હીમાં કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે.