મધરાતે ત્રાટક્યું મુરાસુ વાવાઝોડું, યુપી-ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Murasu Cyclone: બંગાળની ખાડીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક જ અઠવાડિયામાં બબ્બે વાવાઝોડાએ અનેક રાજ્યો પર કહેર વર્તાવ્યો છે. પહેલા અર્નબ અને એ જ વિસ્તારોમાં મુરાસુ વાવાઝોડું ત્રાટક્યું છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યાં મુજબ આગામી 10 કલાકની અંદર 15 જેટલા રાજ્યોમાં ભારે આંધી સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડીમાંથી ઉઠેલા મુરાસુ વાવાઝોડાએ આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ભારે તબાહી મચાવી છે. મોડી રાતે 1 વાગે આંધ્ર પ્રદેશના દક્ષિણ કાંઠા વિસ્તારે લેન્ડ થવાનું શરૂ થઈ ગયું હતું. જેના પગલે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જોખમ જોતા રાહત અને બચાવ ટુકડીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. અનેક ફ્લાઈટ્સ પણ રદ કરાઈ છે.
મધરાતે ત્રાટક્યું વાવાઝોડું
મુરાસુ વાવાઝોડું 2-3 નવેમ્બરની મધરાતે 1 વાગે આંધ્ર પ્રદેશના દક્ષિણ કાંઠે નેલ્લોર અને નરસાપુર વચ્ચે ઓંગોલ પાસે લેન્ડફોલ થયું. આ દરમિયાન 100-110 કિલોમીટર પ્રતિ કલાક અને મહત્તમ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને ભારે વરસાદે કાંઠા વિસ્તારોમાં ભીષણ તબાહી મચાવી.
15 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ
IMD મુજબ 15 રાજ્યોમાં આગામી 10 લાકની અંદર જ ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી શકે છે. જેમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગણા, અને તમિલનાડુ સામેલ છે. જ્યાં 70થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં પણ તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે. યુપી-બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પહાડી રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
વાવાઝોડું મુરાસુનું લેન્ડફોલ ક્યારે થશે? IMDએ જણાવ્યો ટાઈમ, તીવ્રતા બની ખતરનાક
આ રાજ્યોમાં મૂસળધાર વરસાદ પડી શકે
હવામાન વિભાગે બરફવર્ષા, અને પહાડોમાં ભૂસ્ખલનનું પણ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, કેરળ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ છે.
આંધ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન આંધ્ર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા જતાવીછે. આઈએમડીએ ચેતવણી આપી છે કે મંગળવારે સવાર સુધીમાં સમુદ્રમાં ઉઠતી લહેરોના કારણે આંધ્રના દક્ષિણ કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. સમુદ્રમાં ઉઠતી આ લહેરો સામાન્યથી 1થી 1.5 મીટર સુધી ઊંચી ઉઠી શકે છે. બાપટલા, કૃષ્ણા અને પ્રકાશમ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં તેની અસર સૌથી વધુ પડવાની આશંકા છે.
અનેક ટ્રેનો-ફ્લાઈટ્સ રદ
મુરાસુના કારણે આંધ્ર પ્રદેશના તિરુપતિ, વિશાખાપટ્ટનમ અને વિજયવાડા એરપોર્ટ પર 19 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે. જેમાંથી વિજયવાડા એરપોર્ટ પર ઈન્ડિગોની 10 ફ્લાઈટ્સ અને એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ રદ થઈ. વિશાખાપટ્ટનમ એરપોર્ટે પણ 4 ફ્લાઈટ રદ કરી. આ ઉપરાંત તિરુપતિ એરપોર્ટથી પણ 3 ફ્લાઈટ રદ થઈ.
ચક્રવાતના કારણે ઈસ્ટ કોસ્ટ રેલવે તરફથી 3-4 નવેમ્બરના રોજ 8 ટ્રેનો રદ થઈ છે. કાંતાબાંજી-હાવડા એક્સપ્રેસ, હાવડા-કાંતાબાંજી એક્સપ્રેસ, રાઉરકેલા-જગદલ એક્સપ્રેસ, રાઉરકેલા-ભૂવનેશ્વર, ભૂવનેશ્વર-રાઉરકેલા, રાઉરકેલા-પુરી એક્સપ્રેસ, પુરી-રાઉરકેલા એક્સપ્રેસ અને ગદલપુર-રાઉરકેલા એક્સપ્રેસને રદ કરાઈ છે. રેલવેએ મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા ટ્રેનોના સ્ટેટસ ચેક કરવાની અપીલ કરી છે.
અનેક ઠેકાણે શાળાઓ બંધ
વાવાઝોડાના પગલે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, અને ઓડિશાના અનેક વિસ્તારોમાં આગામી એક થી બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવામાં આવ્યા છે.