ભીષણ વાવાઝોડું અર્નબ આંધ્રના દરિયાકાંઠે ત્રાટક્યું, ઘરોમાં ઘૂસ્યું પાણી, આ રાજ્યો સુધી તોફાનની અસર
અત્યંત શક્તિશાળી અર્નબ વાવાઝોડાનો હાલ દેશના અનેક રાજ્યોમાં કહેર જોવા મળી રહ્યો છે. આગામી કેટલાક કલાકોમાં હજુ પણ સ્થિતિ વણસેલી જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મોડી રાતે લગભગ દોઢ વાગ્યાની આસપાસ અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું. લેન્ડફોલની સાથે જ અર્નબ વાવાઝોડાએ તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી.
અત્યંત વિનાશક અને શક્તિશાળી અર્નબ વાવાઝોડું મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ પાસે લેન્ડફોલ થવાનું શરૂ થયું હતું જે હજુ પણ ચાલુ છે. ચક્રવાતનું કેન્દ્ર બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય ભાગમાં બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે, યાનમના દક્ષિણમાં હતું. આ તોફાનના કારણે આંધપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.
અરબ સાગર કરતા બંગાળની ખાડીમાં કેમ વધુ ચક્રવાત આવે છે? જાણો તેના કારણો
4000 સાઈક્લોન શેલ્ટર બનાવાયા
આ તોફાનના એલર્ટ બાદ સરકાર એક્શનમોડમાં જોવા મળી છે. કાંઠા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં કુલ 4000થી વધુ સાઈક્લોન શેલ્ટર બનાવવામાં આવ્યા છે. જ્યાં લોકો રહે છે. તોફાનને જોતા રેલવેએ 50 ટ્રેનો રદ કરી છે. આ ઉપરાંત 21થી વધુ વિમાનોની ઉડાણ પર સીધી અસર જોવા મળી છે.
શાળા કોલેજો બંધ
ઓડિશામાં 27 તારીખથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 16 જેટલા જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોને બંધ રખાઈ છે. ઓડિશા સરકારના જણાવ્યાં મુજબ 30000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. તોફાનની અસર ફક્ત દક્ષિણ ભારતીય રાજ્યોમાં જ નહીં પરંતુ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર અને યુપી સુધી જોવા મળશે.
શું કહેવું છે હવામાન વિભાગનું
આંધ્ર પ્રદેશના હવામાન વિભાગના ડાયરેક્ટર કે. નાગારત્નાએ કહ્યું કે, હાલ તોફાનની તીવ્રતા જોતા હવામી ગતિ લગભગ 125 કિમીથી 135 કિમી પ્રતિકલાક છે. જે કોનાસીમા અને કાકીનાડાની આસપાસના વિસ્તારો તથા અન્ય કાંઠા જિલ્લાઓમાં 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હજુ પણ તે લગભગ એક જ જગ્યાએ થોભેલું છે અને આગામી એક થી બે કલાકમાં તે કાંઠા સાથે અથડાય તેવી શક્યતા છે. એવી આશા છે આગામી કેટલાક કલાકોમાં આ સિસ્ટમ કાઠાંને પાર કરી જાય તેવી સંભાવના છે. ત્યારબાદ તેની તીવ્રતા ઘટી શકે છે અને તે એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.
તેમણે કહ્યું કે બપોર સુધીમાં તે વધુ નબળું પડીને ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. કાંઠાને પાર કરતી વખતે તે એક ખુબ જ ગંભીર ચક્રવાતી તોફાનની કેટેગરીમાં હશે. થોડા કલાકો બાદ પવનની ઝડપ લગભગ 90 થી 120 કિમી પ્રતિ કલાક રહે તેવી શક્યતા છે. જેમાં હવાના ઝોંકાની ઝડપ 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બપોર સુધીમાં આ તોફાનની ઝડપ ઘટીને 60 થી 70 કિમી પ્રતિ કલાક રહે તેવી ધારણા છે.
કે નાગા રત્નાએ વધુમાં કહ્યું કે 28 ઓક્ટોબરના રોજ આંધ્ર પ્રદેશ કાંઠા વિસ્તારમાં રેડ વોર્નિંગ ઈશ્યુ કરાઈ છે. જે સવાર સુધી રહી શકે છે. તેનાથી હોર્ડિંગ વગેરેને નુકસાન પહોંચવાની આશંકા છે અને આ સાથે જ રેલ, હવાઈ અને રોડ પરિવહન પણ પ્રભાવિત થઈ શકે છે. વીજળી, જળપૂર્તિ અને દૂરસંચાર સેવાઓમાં પણ વિધ્ન આવી શકે છે. માછીમારોને સલાહ અપાઈ છે કે તેઓ 28, 39 ઓક્ટોબરના રોજ બંગાળની ખાડીના પૂર્વ, મધ્ય અને પશ્ચિમ મધ્ય વિસ્તારોમાં સમુદ્રમાં ન જાય. સમુદ્રમાં થનારી તમામ ગતિવિધિઓની સમીક્ષા થવી જોઈએ અને તેને ફક્ત આઈએમડીની લેટેસ્ટ ચેતવણીઓ મુજબ જ ફરીથી શરૂ કરવી જોઈએ.
સમુદ્રનું પાણી ઘરોમાં ઘૂસ્યું
આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકો પર અર્નબ વાવાઝોડું કહેર બનીને તૂટી પડ્યું છે. આ તોફાનના કારણે ભારે તબાહી મચેલી જોવા મળી છે. રહેણાંક વિસ્તારોમાં સમુદ્રનું પાણી ઘૂસવાથી અનેક ઘરોને નુકસાન થયુ છે જેના કારણે ઘણા પરિવારો સંકટમાં આવી ગયા છે.
આંધ્ર પ્રદેશના મછલીપટ્ટમમાં વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ખુબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક ઠેકાણે ઝાડ પડેલા જોવા મળ્યા અને રસ્તાઓ પણ પાણીમાં ડૂબાડૂબ જોવા મળી રહ્યા છે.
આ રાજ્યોમાં કહેર
બંગાળની ખાડીમાં ઉઠેલું આ તોફાન હવે ગંભીર સ્વરૂપમાં ફેરવાઈ ચૂક્યું છે. આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગણા, છત્તીસગઢ, પુડ્ડુચેરી, પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં તોફાનની સંભવિત અસર જોતા સતર્કતા વર્તવાનું કહેવાયું છે.
તોફાનના કારણે અનેક ફ્લાઈટ્સ
એર ઈન્ડિયાએ 28 ઓક્ટોબર માટે દિલ્હી-વિજયવાડા-દિલ્હી રૂટની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. આ ઉપરાંત એર ઈન્ડિયા એક્સપ્રેસે 13 ફ્લાઈટ્સ રદ કરી છે. જેની મુખ્ય અસર વિશાખાપટ્ટનમને હૈદરાબાદ, બેંગલુરુ, અને વિજયવાડા સાથે જોડતી સેવાઓ પર પડી છે. એરલાઈને પોતાની વારાણસી-બેંગકોક, અને બેંગકોક-વિશાખાપટ્ટનમ ફ્લાઈટ્સ પણ રદ કરી છે.