World Diabetes Day 2026: શરીરમાં કોઈપણ પ્રકારના દુખાવા હોય તો તે દુખાવાને બંધ કરવા માટે ઘણા લોકો પેનકિલર ખાઈ લેતા હોય છે. પેનકિલર ખાઈ લેવાથી દુખાવાથી તો રાહત મળી જાય છે પરંતુ આવી કેટલીક દવાઓ શરીરને નુકસાન કરે છે. તેમાં પણ જો તમને ડાયાબિટીસ હોય તો પછી પેનકિલર ખાતા પહેલા ચેતી જવું જોઈએ. ડોક્ટરનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે વારંવાર પેનકિલર ખાવી ખતરનાક સાબિત થઈ શકે છે.
લોકો પેનકિલરને સામાન્ય દવા સમજીને મેડિકલ સ્ટોરમાંથી લઈને પણ ખાઈ લેતા હોય છે. માથું દુખતું હોય, સાંધા દુખતા હોય, માસિક સમયે દુખાવો રહેતો હોય શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા હોય તો લોકો ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી જ પેનકિલર ખરીદીને ખાઈ લેતા હોય છે. મેડિકલ સ્ટોરમાંથી પણ પેનકિલર સરળતાથી મળી રહે છે પરંતુ આ રીતે કોઈપણ પેનકિલર ખાઈ લેવી શરીર માટે સેફ નથી. ખાસ કરીને ડાયાબિટીસ હોય તેવા લોકોએ તો દવા ખાતા પહેલા સાવધાન રહેવું જોઈએ.
ડોક્ટરના જણાવ્યા અનુસાર કેટલીક પેનકિલર એવી હોય છે જે કિડની, બ્લડપ્રેશર, બ્લડ સુગર લેવલ પર અસર કરે છે. ડાયાબિટીસના પેશન્ટ સમજ્યા વિના જો કોઈપણ પેનકિલર ખાઈ લે તો તેનાથી ગંભીર નુકસાન પણ થઈ શકે છે. કેટલીક દવાઓ નોન સ્ટીરોઈડરી દવાની શ્રેણીમાં આવે છે. દવાઓમાં ઈબુપ્રોફેન, જાઈક્લોફેનાક, નેપ્રોક્સેન જેવી દવાનો સમાવેશ થાય છે સામાન્ય રીતે આ દવાઓ દુખાવા અને સોજા ઓછા કરવામાં ઉપયોગી છે. પરંતુ આ પ્રકારની દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કિડની ને નુકસાન થઈ શકે છે.
વારંવાર પેનકિલર ખાવાથી નોર્મલ વ્યક્તિની કિડને નુકસાન થાય તેની શક્યતા પણ વધી જાય છે તેમાં પણ જો દર્દીને ડાયાબિટીસ હોય તો તેને વધારે સાવધાન રહેવું જોઈએ. કારણકે ડાયાબિટીસમાં કિડનીની સમસ્યા થવાની શક્યતા વધારે હોય છે. જો કોઈ વ્યક્તિને પહેલાથી ડાયાબિટીસ હોય, કિડનીની તકલીફ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય કે પછી શરીરમાં પાણીની ઉણપ હોય તો તેણે પેનકિલર ખાતા પહેલા વિશેષ સાવધાની રાખવી જોઈએ.
ડોક્ટરનું કહેવું તો એવું છે કે ડાયાબિટીસના પેશન્ટ હોય તો તેમણે ડોક્ટરને પૂછ્યા વિના કોઈપણ પ્રકારની પેનકિલર ખાવી જોઈએ નહીં તેનાથી તેની કિડનીને નુકસાન થઈ શકે છે. સામાન્ય લોકોએ પણ પોતાની રીતે પેનકિલર નો ઉપયોગ કરવો નહીં. પોતાની સમસ્યા જણાવ્યા પછી ડોક્ટરની સલાહ અનુસાર લેવી જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)