Mohanthal Recipe: મીઠાઈની દુકાને મળે એવો જ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત
Mohanthal Recipe: મોહનથાળ ગુજરાતની સૌથી લોકપ્રિય મીઠાઈ છે. મોહનથાળ દાણેદાર અને મોં માં મુકતાં જ ઓગળી જાય એવો હોય તો જ ભાવે છે. આવો મોહનથાળ ઘરે બનાવવાની રીત ચાલો તમને જણાવીએ.
Published: Oct 31, 2026, 01:56 PM IST
| Updated: Oct 31, 2026, 02:01 PM IST
Mohanthal Recipe: મોહનથાળ એવી મીઠાઈ છે જે ગુજરાતી ઘરોમાં સૌથી વધુ ખવાતી હોય છે. લગ્ન પ્રસંગ હોય કે દિવાળી જેવો તહેવાર ઘરમાં મોહનથાળ આવી જ જાય. મોહનથાળનું ટેક્સચર દાણેદાર હોય છે. આ મીઠાઈ નું નામ આવતાં જ મોં માં પાણી આવી જાય. જો કે મોહનથાળ ત્યારે જ ભાવે છે જ્યારે તે એકદમ સોફ્ટ અને દાણેદાર બને. જો તમારાથી પણ દાણેદાર મોહનથાળ નથી બનતો તો એકવાર આ રીતે મોહનથાળ બનાવજો.
આ પણ વાંચો: Recipe: ઘરે બનાવો બજારમાં મળે એવી જ સાત પડવાળી પુરી, આ રીતે બધા પડ ખુલશે અને પુરી ક્રિસ્પી બનશે
મોહનથાળ સહિતની કોઈપણ મીઠાઈ હોય તેના માટે જરૂરી હોય છે કે તમે સામગ્રીનું પરફેક્ટ માપ લો. આજે તમને મોહનથાળ બનાવવાની રીત સામગ્રીના પરફેક્ટ માપ સાથે જણાવીએ. સાથે જ એક સીક્રેટ ટીપ્સ જણાવીએ જેની મદદથી મીઠાઈની દુકાને મળે એવો પરફેક્ટ દાણેદાર મોહનથાળ બનશે.
મોહનથાળ માટેની સામગ્રી
ચણાનો કરકરો લોટ - 2 કપ
ઘી - 1 કપ
દૂધ - 4 થી 5 ચમચી ધાબો દેવા માટે
ખાંડ - દોઢ કપ
એલચી પાવડર
બદામની કતરણ
દૂધની મલાઈ અથવા દૂધ 1 કપ
આ પણ વાંચો: Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત
મોહનથાળ બનાવવાની રીત
- સૌથી પહેલા એક મોટા વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં 2 ચમચી ઓગાળેલું ઘી અને 4 ચમચી દૂધ ઉમેરી લોટને ધાબો આપો. લોટમાં ઘી અને દૂધ બરાબર મિક્સ કરી લોટને 10 મિનિટ ઢાંકી રાખો.
- ત્યારબાદ બાકી બચેલું ઘી એક જાડા તળીયાની કઢાઈમાં કાઢો અને તેમાં ધાબો આપેલો લોટ ઉમેરી લોટ શેકવાનું શરુ કરો.
- ચણાના લોટને ધીમા તાપે સતત હલાવતાં શેકવો જરૂરી છે. જ્યારે લોટ શેકાવા આવે ત્યારે ગેસ સ્લો કરી તેમાં દૂધ અથવા મલાઈ ઉમેરો.
- ચણાના લોટમાં દૂધ અથવા મલાઈ ઉમેરવાથી જ મોહનથાળ દાણેદાર અને સોફ્ટ બને છે. દૂધ માવો બની લોટમાં ભળી જાય પછી ગેસ બંધ કરી દો.
- હવે એક તપેલામાં ખાંડ લઈ, તેમાં ખાંડ ડુબે એટલું પાણી ઉમેરી ચાસણી બનાવો. મોહનથાળ માટે દોઢ તારની ચાસણી બનાવવી.
- દોઢ તારની ચાસણી બની જાય એટલે ચાસણીને શેકેલા લોટમાં ઉમેરો. સાથે જ તેમાં એલચી પાવડર ઉમેરો અને બધી સામગ્રીને બરાબર મિક્સ કરી થાળી કે ટ્રેમાં મોહનથાળ કાઢો.
- મોહનથાળ ઉપર બદામની કતરણ પાથરો અને ઠંડો થયા પછી મોહનથાળ કટ કરો.