Cancer Type And Seriousness: કેન્સર આજના સમયમાં ઝડપથી ફેલાતી બીમારી છે. એ વાત તો તમે પણ જાણતા જ હશો કે કેન્સર અલગ અલગ પ્રકારના હોય છે અને કેન્સર શરીરના અલગ અલગ અંગોમાં ફેલાય છે. આ જ રીતે કેન્સરની ગંભીરતા પણ અલગ હોય છે. દરેક કેન્સર જીવલેણ કે ગંભીર પ્રકારનું નથી હોતું. આજે તમને જણાવીએ કયા કેન્સર ગંભીર હોય છે અને કયા કેન્સરમાં સારવાર પછી દર્દી નોર્મલ અને લાંબુ જીવન જીવી શકે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર કેન્સર કોઈપણ પ્રકારનું હોય તેનું સમયસર નિદાન અને સારવાર અત્યંત જરૂરી છે. કેન્સરની સારવાર સમયસર થઈ જાય તો કેન્સરને ફેલાતું રોકી શકાય છે. કેટલાક કેન્સર એવા છે જેમાં સારવાર પછી દર્દી સ્વસ્થ જીવન જીવવા લાગે તેની સંભાવના વધારે હોય છે. જ્યારે કેટલાક કેન્સર એવા છે જેને સૌથી ખતરનાક માનવામાં આવે છે. તેમાં પણ આ કેન્સર વિશે એડવાન્સ સ્ટેજમાં ખબર પડે તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. તો ચાલો સૌથી પહેલા તો જાણીએ કયા કેન્સર ઓછા જોખમી ગણાય છે.
કયા કેન્સર ઓછા જોખમી?
સ્તન કેન્સર, થાઈરોઈડ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લોહીના કેટલાક કેન્સર, સ્કિન કેન્સર ઓછા જોખમી કેન્સરમાં આવે છે. આ પ્રકારના કેન્સરમાં સારવારની જરૂર ન પડે એવું નથી. પણ આ કેન્સર એવા છે જેની ખબર શરઆતમાં પડી જાય, તુરંત સારવાર શરુ થઈ જાય તો તેમાં સારવાર પછી પોઝિટિવ રિઝલ્ટ મોટાભાગે જોવા મળે છે. જો કે આ કેન્સરમાં પણ એડવાન્સ સ્ટેજ સુધી સારવાર ન થાય તો જીવ જોખમમાં મુકાઈ શકે છે. એટલે કેન્સરના શરુઆતી લક્ષણો જોવા મળે એટલે સ્ક્રીનીંગ કરાવી લેવું અનિવાર્ય છે.
સૌથી જોખમી કેન્સર
કેન્સરની વાતમાં સૌથી જોખમી કે ઝડપથી ફેલાતા કેન્સરની વાત આવે તો તેમાં પેનક્રિઆઝ કેન્સર, ફેફસાનું કેન્સર, મગજનું કેન્સર, લીવર કેન્સરનો સમાવેશ થાય છે. આવા કેન્સરમાં શરુઆતના સ્ટેજમાં લક્ષણો દેખાતા નથી. જ્યારે સ્પષ્ટ લક્ષણો દેખાય છે ત્યારે દર્દીની હાલત ગંભીર થઈ ગઈ હોય છે. આ કેન્સરમાં ખરાબ વાત એ પણ છે કે તે શરીરના અન્ય અંગોમાં પણ ફેલાઈ શકે છે. આ કેન્સરમાં સારવાર જેટલી મોડી શરુ થાય સ્થિતિ એટલી જ જટીલ થઈ જાય છે.
કેન્સરના શરુઆતી લક્ષણો
શરીરના કોઈપણ અંગમાં કેન્સર ફેલાવાની શરુઆત થાય એટલે કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. આ લક્ષણોને લોકો સામાન્ય સમજી ઈગ્નોર પણ કરી દેતા હોય છે. કેન્સરના શરુઆતી લક્ષણોમાં સૌથી પહેલા તો અચાનક વજનમાં ઘટાડો જોવા મળે છે, શરીરના કોઈ ભાગમાં ગાંઠ દેખાઈ શકે છે, શરીરમાં સતત થાકનો અનુભવ થાય છે. ક્યારેય શરીરમાં દુખાવો અને સોજા દેખાય છે. ઘણા કેન્સરમાં ત્વચામાં ફેરફાર થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)