Gud Kumkum Mehndi: ઘરમાં લગ્ન કે અન્ય કોઈ પ્રસંગ હોય એટલે યુવતીઓ હથેળીમાં મહેંદી મૂકે છે. મહેંદી મુકવા માટે માર્કેટમાં રેડીમેડ કોન મળતા હોય છે. આવા કોનનો ઉપયોગ કરવાનું ઘણી યુવતીઓ ટાળતી હોય છે કારણ કે હવે મોટાભાગની મહેંદીમાં કેમિકલનો ઉપયોગ થયો હોય છે. કેમિકલ ઉમેરવાના કારણે મહેંદીનો રંગ ડાર્ક આવે છે. પરંતુ કેમિકલના કારણે ઘણી વખત સ્કિન પર રિએક્શન પણ આવી શકે છે. જો તમે પણ મહેંદીનો ડાર્ક રંગ લાવવા માંગતા હોય પણ કેમિકલથી બચવું હોય તો તૈયાર કોનને બદલે ઘરે ગોળ અને કંકુની મહેંદી બનાવી લો.
ગોળ અને કંકુનો ઉપયોગ કરીને મહેંદી બનાવવાની રીત વર્ષો જૂની છે. મહેંદી બનાવવાની આ પારંપરિક રીત છે. સીમંત જેવો પ્રસંગ હોય ત્યારે હાથમાં મહેંદી લગાડવાની મનાઈ હોય છે તેવા સમયે ગોળ અને કંકુમાંથી નેચરલ મહેંદી તૈયાર કરવામાં આવે છે.. ગોળ અને કંકુમાંથી મહેંદી બનાવવી ખૂબ જ સરળ છે. અને આ મહેંદીની ખાસ વાત એ છે કે તેનાથી હથેળી પર એકદમ ડાર્ક રંગ આવે છે. કંકુ અને ગોળની મહેંદીમાં ડાર્ક રંગ આવે તે વાતની ગેરંટી હોય છે અને આ મહેંદીથી કોઈ પણ પ્રકારનું રિએક્શન પણ આવતું નથી કારણ કે તેમાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ થયો હોય છે.
100 ગ્રામ ગોળ, બે ચમચી કંકુ, બે ચમચી ચાની ભૂકી, પાણી જરૂર અનુસાર.
1. ગોળ અને કંકુ ની મહેંદી બનાવવા માટે સૌથી પહેલા એક જૂનું વાસણ લેવું. જુનુ વાસણ એટલા માટે કે વાસણમાં કંકુ અને ગોળની મહેંદીનો રંગ રહી શકે છે. જોકે આ રંગ કાયમી નથી રહેતો થોડા સમયમાં દૂર થઈ જાય છે. તેથી એવું વાસણ લેવું જેનો ઉપયોગ વધારે કરવામાં ન આવતો હોય.
2. વાસણમાં પાણી લઈ તેમાં ચાની ભૂકી ઉકાળવા મૂકો. ચાની ભૂકી ઉકળવા લાગે અને પાણીનો રંગ કાળો થઈ જાય એટલે ગેસ બંધ કરી પાણીને ગાળી લો.
3. હવે તૈયાર કરેલા ચાના પાણીને ફરીથી તે વાસણમાં ગરમ કરવા મુકો. તેમાં ગોળ ઉમેરી ધીમા તાપે મિશ્રણને ઉકાળો.
4. ગોળ અને ચાની ભૂકીને પાણીમાં ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી પાણી ચાસણી જેવું ઘટ્ટ થવા લાગે.
5. જ્યારે ગોળની ચાસણી બની જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ગોળનું મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તેમાં કંકુ ઉમેરો અને બરાબર હલાવો.
6. કંકુ ઉમેર્યા પછી મિશ્રણને બરાબર હલાવો જેથી તેમાં ગાઠાં ન પડે. કંકુ ઉમેર્યા પછી મિશ્રણ મહેંદી જેવું ઘટ્ટ થઈ જશે.
7. ત્યાર પછી આ મિશ્રણને પ્લાસ્ટિકના કોનમાં ભરીને બરાબર પેક કરી દો. જો કોનમાં મહેંદી ન ભરવી હોય તો બ્રશની મદદથી પણ હથેળી પર મહેંદી કરી શકો છો. આ રીતે તૈયાર કરેલી મહેંદીથી હથેળી પર એકદમ ડાર્ક રંગ આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)