ઘરમાં રાખેલો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને ધાર્મિક દ્રષ્ટિએ પણ અશુભ માનવામાં આવે છે. એટલા માટે જ દરેક ગૃહિણી એ જાણવા માંગતી હોય છે કે તુલસીના છોડને સુકાતો અટકાવવા માટે શું કરવું ? ગાર્ડનિંગ એક્સપર્ટ અનુસાર હાલ જે ઋતુ પરિવર્તનનો સમય છે તેમાં તુલસીનો છોડનો સુકાય અને તુલસીનો ગ્રોથ વધે તે માટે નીચે દર્શાવ્યા અનુસાર ફોલો કરવી.
તુલસી પર જ્યારે માંજર ઉગે છે ત્યારે છોડનો ગ્રોથ સ્લો થઈ જાય છે. ઘણા લોકો તુલસીના માંજર સુકાય ત્યાં સુધી ઉતારતા નથી જેના કારણે તુલસીનો છોડ પણ કરમાવા લાગે છે. ગાર્ડનિંગ એક્સપર્ટ અનુસાર તુલસીમાં માંજર આવે એટલે તેને ઉતારી લેવા જોઈએ.
તુલસીના છોડમાં વધારે પડતું પાણી ઉમેરવાથી પણ તુલસીનો છોડ કરમાવા લાગે છે કે પછી તેના પાન પીળા પડવા લાગે છે. જો તમારા તુલસીના છોડના પાન પીળા થઈ ગયા હોય તો સમજી લેજો કે તમે જરૂર કરતાં વધારે પાણી ઉમેરી રહ્યા છો. તુલસીમાં વધારે પાણી નાખવાથી તેના મૂળ સડવા લાગે છે અને તુલસીનો છોડ કરમાઈ જાય છે.
તુલસીના છોડનો ગ્રોથ સારો થાય તે માટે તડકો અને છાયો બંને જરૂરી હોય છે. જો તુલસીના છોડને તડકો ન મળે તો પણ તુલસી નો છોડ મરી જાય છે અને વધારે પડતો તડકો મળે તો પણ તુલસીનો છોડ ડ્રાય થઈ જાય છે. તડકા છાયાનું બેલેન્સ જળવાઈ રહે તે માટે તુલસીના છોડને 11 થી 3 વાગ્યા સુધીના તડકાથી બચાવો. આ સમયનો તડકો તુલસીનો છોડને નુકસાન કરે છે. બપોરે 3 વાગ્યા સુધી તુલસીના છોડને છાયો હોય તેવી જગ્યાએ રાખો અથવા તો તુલસીના છોડ પર છાયો આવે તેવી વ્યવસ્થા કરો.
શિયાળાની શરૂઆત ધીરે ધીરે થવા લાગી છે રાતના સમયે ઠંડા પવન અને વાતાવરણમાં ઠંડક વધી જાય છે. વધારે પડતા ઠંડા પવનના કારણે પણ તુલસી સુકાવા લાગે છે. તેથી રાતના સમયે તુલસી પર કોઈ કપડું ઢાંકી દો કે પછી તુલસીને ઠંડી હવા ન લાગે તેવી વ્યવસ્થા કરો. શિયાળાની ઠંડી હવા તુલસીનો છોડને સુકાવી દે છે.
તુલસીનો છોડ સુકાઈ નહીં અને તેનો ગ્રોથ વધે તે માટે તુલસીના છોડમાં થોડા થોડા દિવસે ખાતર ઉમેરી શકાય છે. તુલસીના છોડમાં વર્મી કમ્પોસ્ટ કે પછી છાણાનું ખાતર ઉમેરી શકો છો. એક વાતનું ધ્યાન રાખવું કે ખાતરને ડાયરેક્ટ કુંડામાં છાંટવું નહીં. થોડી માટી લઈ તેમાં ખાતર મિક્સ કરી માટીને કુંડામાં છાંટવી. ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય તુલસીના છોડમાં ખાતર નાખવા માટે બેસ્ટ હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)