આમ તો લગ્નને સાત જન્મોનું બંધન કહેવામાં આવે છે. પણ લગ્ન પછી પતિ-પત્નીના જીવનમાં 2 તબક્કા એવા આવે છે જેમાં આ બંધન તુટી જાય તેનું જોખમ વધારે હોય છે એટલે કે ડિવોર્સ થવાનું જોખમ વધી જાય છે. એ વાત તો તમે પણ માનશો કે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવવા આવતાં જ હોય છે. તેની જ રીતે લગ્ન પછી પતિ પત્ની તરીકે પણ કપલ એ લાઈફના ઉતાર ચઢાવનો સામનો કરવાનો હોય છે. આવા સમયે કેટલાક કપલ સમસ્યામાંથી પાર ઉતરે છે તો કેટલાક કપલ લગ્નજીવનના આ તબક્કે એકબીજાથી અલગ થવાનું જ યોગ્ય માને છે.
દુનિયાભરમાં થયેલી રિસર્ચના આંકડા અનુસાર લગ્નજીવનમાં 2 તબક્કે ડિવોર્સ થવાનું જોખમ સૌથી વધુ હોય છે. જેમાં સૌથી પહેલા છે લગ્ન પછીના 2 વર્ષનો સમયગાળો. લગ્ન થયા હોય ત્યારપછી 1 વર્ષ તો હરવા ફરવામાં અને એકબીજાને ઓળખવામાં પસાર થાય છે. લગ્નના બીજા વર્ષથી લાઈફની રિયાલિટી અને જવાબદારીઓ સામે આવે છે. તે સમયે કપલ વચ્ચે પણ સમસ્યા શરુ થાય છે. લગ્નના 2 વર્ષ સુધીમાં ઘણા કપલ લાઈફની રિયાલિટીને સ્વીકારી આગળ વધી જાય તો કેટલાક કપલ લગ્ન પછીની જવાબદારીથી શરુઆતમાં દુર થઈ જાય છે. આવું મોટાભાગે લવ મેરેજમાં થાય છે તેવું માનવામાં આવે છે.
2 વર્ષ સુખેથી પાર થઈ જાય પછી અગ્નિપરિક્ષા શરુ થાય છે 4 વર્ષ પછી. લગ્નને 5 વર્ષ થાય પછી પણ ડિવોર્સ થવાનું રિસ્ક વધી જાય છે. લગ્નના 5 વર્ષ પછી 8 વર્ષ સુધીમાં સૌથી વધુ ડિવોર્સ થતા હોય છે. લગ્નના 5 થી 8 વર્ષ પછી ડિવોર્સ થવાનું કારણ સંબંધોમાં રોમાંચનો અભાવ હોય છે. લગ્નના 5 વર્ષ પછી કપલને લગ્નજીવન એકસરખું, કંટાળાજનક અને રોમાંચ વિનાનું લાગવા લાગે છે. બાળકોની જવાબદારીમાં પતિ -પત્ની એકબીજાને સમય આપી શકતા નથી જેના કારણે તેમના મનમાં અલગ થઈ જવાની, જવાબદારીથી છુટી જવાની અને કંટાળાને દુર કરવાની ઈચ્છાઓ વધવા લાગે છે. જે ડિવોર્સનું કારણ બની શકે છે.
રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે જે કપલ લગ્નજીવનના 8 વર્ષના સંવેદનશીલ સમયને પાર કરી લે છે તેમના સંબંધ વર્ષો સુધી ટકી રહે છે. કારણ કે આ સમય પછી કપલ એકબીજાને સમજવા લાગે છે, તેમના સંબંધોમાં સમજ અને સ્થિરતા વધી જાય છે. તેઓ એકબીજા પ્રત્યે વધારે લાગણી અનુભવે છે. તેઓ એકબીજા સાથે તાલમેલથી ચાલવા લાગે છે.
જો કે તેનો અર્થ એવો નથી કે દરેક કપલ લગ્નના આટલા વર્ષ પછી ડિવોર્સનું જ વિચારે. પરંતુ આ લગ્ન પછીના આ વર્ષો એવા હોય છે જ્યારે કપલ તરીકે પતિ પત્નીને પડકારોનો સામનો કરવો પડે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)