મિડટર્મ ચૂંટણીના બે અઠવાડિયાં પહેલાં આ સવાલ અમેરિકાના મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છેે. ચૂંટણી પહેલાં કરવામાં આવેલા મોટા ભાગના સર્વેક્ષણોમાં ટ્રમ્પ પાછળ દેખાઈ રહ્યા છે. મિડટર્મ ચૂંટણી પહેલાં ટ્રમ્પને લગતા આ ચૂંટણીલક્ષી આંકડા ચોંકાવનારા છે. કારણ કે છેલ્લા 8 મહિનાથી ટ્રમ્પ અમેરિકાની જનતાને એવું કહીને ઈરાન પર હુમલા કરી રહ્યા હતા કે આ યુદ્ધથી અમેરિકાને સૌથી મોટો ફાયદો થવાનો છે. છેલ્લા 8 મહિનામાં અલગ-અલગ પ્રસંગોએ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધના અસંખ્ય ફાયદા ગણાવ્યા હતા.
1. મધ્ય પૂર્વમાં ઈરાન અમેરિકાનો સૌથી મોટો દુશ્મન છે
2. ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોવો અમેરિકા માટે જોખમ છે
3. ઈરાનની કટ્ટરપંથી સરકારનો અંત અમેરિકાના હિતમાં છે
4. ઈરાનની હાર બાદ દુનિયામાં અમેરિકાનો દબદબો વધશે
5. ઈરાન નબળું પડશે તો અમેરિકામાં તેલ અને ગેસ સસ્તાં થશે
ટ્રમ્પ તેલ-ગેસની વધતી કિંમતો અને તેના કારણે વધી રહેલી મોંઘવારીને ઈરાન સાથેના યુદ્ધની નાની કિંમત ગણાવી રહ્યા છે પરંતુ આ નાની કિંમતથી અમેરિકાની જનતા કેટલી પરેશાન થઈ ગઈ છે, તે કેટલાક આંકડાઓ પરથી સમજો.....
| પેટ્રોલ | કિંમત-4.35 ડોલર પ્રતિ ગેલન |
| ડીઝલ | કિંમત – 6.30 ડોલર પ્રતિ ગેલન |
| ગેસ | કિંમત – 5 ડોલર પ્રતિ ગેલન |
| અસર | પ્રતિ ગેલન 1થી 2 ડોલર વધુ ખર્ચ, ઈંધણનો ખર્ચ વધતાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી |
જો કે, ઈરાન સાથેના યુદ્ધના બદલામાં તેલ અને ગેસની જે મોંઘવારી વધી છે, તેને ટ્રમ્પ ભલે નાની કિંમત ગણાવતા હોય, પરંતુ અમેરિકાની જનતા મહિનાઓથી તેનો હિસાબ માંગી રહી છે. ચૂંટણી પ્રચાર પહેલાંથી જ અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. લોકો ટ્રમ્પને પૂછી રહ્યા છે...
આ વાત દુનિયાથી છુપાયેલી નથી કે ઈરાન સાથે 8 મહિનાથી વધુ સમય ચાલેલું યુદ્ધ અમેરિકા માટે સૌથી મોંઘાં યુદ્ધોમાંનું એક સાબિત થયું છે. આ યુદ્ધમાં ટ્રમ્પ અત્યાર સુધીમાં 38 અબજ ડોલરથી વધુ ખર્ચી ચૂક્યા છે. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં, અનેક ફાઇટર જેટ્સ અને ડ્રોન પણ ગુમાવવા પડ્યાં છે.
ટ્રમ્પની રમત પૂરી?
હવે અમેરિકાની જનતા ટ્રમ્પ પાસેથી આ તમામ ખર્ચનો હિસાબ માંગી રહી છે. કારણ કે આ પૈસા કરદાતાઓના છે. લોકો સવાલ કરી રહ્યા છે કે કોઈ સ્પષ્ટ હેતુ ન દેખાતો હોય એવા યુદ્ધમાં ટ્રમ્પે આટલી મોટી રકમ શા માટે ખર્ચી નાખી? અમેરિકાની જનતાની આ નારાજગી ચૂંટણી પહેલાં થઈ રહેલાં સર્વેક્ષણોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે.
મિડટર્મ ચૂંટણીમાં હારવા છતાં ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બની રહેશે, પરંતુ તેમની સત્તા અને નિર્ણયો લેવાની ક્ષમતા પર મોટાં નિયંત્રણો આવી શકે છે. ટ્રમ્પ મનસ્વી રીતે યુદ્ધ માટે બજેટ માંગી શકશે નહીં અને તેને મંજૂર કરાવવા માટે સંસદ પર દબાણ પણ બનાવી શકશે નહીં.
ટ્રમ્પે એ જ કરવું પડશે, જે અમેરિકાની સંસદમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની બહુમતી ઈચ્છશે અને અમેરિકામાં આવું પહેલી વાર નહીં બને. છેલ્લા 76 વર્ષના ઇતિહાસમાં 18 વખત એવું બન્યું છે, જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિની પાર્ટીને મિડટર્મ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.
પરંતુ ટ્રમ્પ માટે આ હારના અર્થ અલગ હોઈ શકે છે. કારણ કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન દુનિયામાં યુદ્ધનું જોખમ વધ્યું હોવાની ચર્ચા થઈ રહી છે...એટલું જ નહીં, અમેરિકાના લોકોમાં એવી ધારણા પણ બની છે કે ટ્રમ્પે અમેરિકાની સમગ્ર વિદેશનીતિને નુકસાન પહોંચાડ્યું છે..