રશિયાના વોરશિપ પર યૂક્રેનનો ડ્રોન હુમલો, ભયંકર વિસ્ફોટ પછી જળમગ્ન થયું જહાજ
રશિયા પર યૂક્રેન તરફથી સૌથી મોટો પ્રહાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર યૂક્રેન એ ડ્રોન વડે હુમલો કરી રશિયાના એક મોટો વોકશિપને નેસ્તોનાબૂદ કરી દીધું છે. આ ઘટના લીબિયાના બેનગાજી બંદર પર બની હતી. જેની વીડિયો પણ સામે આવ્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં યુક્રેન તરફથી રશિયા પર સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર લીબિયાના બેનગાજી બંદર પર ઉભેલા રશિયાના વોરશિપ એટલે કે યુદ્ધ જહાજને યુક્રેને નિશાન બનાવ્યું છે. બંદર પર ઉભેલા રશિયાના યુદ્ધ જહાજ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો જેના કારણે યુદ્ધ જહાજમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી ગઈ. જે જહાજ પર હુમલો થયો તે રશિયાનું મર્કરી હોવાનું જાણવા મળ્યું છે.
રશિયાનું વોરશિપ મર્કરી
સેટેલાઈટ તસવીરો આપતી કંપની વૈંટોરના જણાવ્યા અનુસાર લિબિયાના બંદર પર ઉભેલું રશિયાનું મર્કરી બ્લાસ્ટ પછી દરિયામાં ડૂબી ગયું. આ ઘટનાનો વિડીયો પણ x અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે અચાનક જ વોરશિપમાં બ્લાસ્ટ થાય છે અને વિસ્ફોટ પછી ભયંકર આગ ફાટી નીકળે છે. આ વોરશિપ રશિયાનું હતું અને વોરશિપ પર હુમલો યુક્રેની ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો તેવું પણ કહેવાય રહ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર રશિયાનું વોરશિપ મર્કરી લીબિયાના બંદર પર જરૂરી સામાન લેવા માટે અને ઇંધણ ભરાવવા માટે રોકાયું હતું. મોસ્કો અને લીબિયાના પ્રશાસન વચ્ચે સહયોગ સમજૂતી છે. જે અંતર્ગત રશિયાનું યુદ્ધ જહાજ મર્કરી લીબિયાના બંદર પર રોકાયું હતું. તે સમયે જ યુદ્ધ જહાજ પર ડ્રોન એટેક થયો. લીબિયા દ્વારા પણ યુદ્ધ જહાજ પર થયેલા ડ્રોન એટેકની પુષ્ટિ કરવામાં આવી છે.
2 ડ્રોન બંદર પર ઉભેલા રશિયાના વોરશિપ સાથે ટકરાયા
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર લીબિયાના સૈન્ય અધિકારીઓએ રશિયાના યુદ્ધ જહાજ પર હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું કે યુક્રેન તરફથી આ બંદર પર ઘણા બધા ડ્રોન છોડવામાં આવ્યા હતા તેમાંથી ચાર ડ્રોન ને હવામાં જ તોડી પાડવામાં આવ્યા પરંતુ 2 ડ્રોન બંદર પર ઉભેલા રશિયાના વોરશિપ સાથે ટકરાયા. ડ્રોન ટકરાયા ની સાથે જ રશિયાના વોરશિપ બ્લાસ્ટ થઈ ગયો અને વોરશિપ સંપૂર્ણ રીતે નેસ્તોનાબૂદ થઈ ગયું.
સ્થાનિક મીડિયા અનુસાર આ હુમલામાં લિબિયા અને રશિયાના સૈનિકોના મોત થયા હોવાનો પણ દાવો કરવામાં આવે છે પરંતુ હજુ સુધી આ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે લિબિયા તરફથી રશિયાના વોરશિપ પર હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે પરંતુ યુક્રેન કે રશિયા તરફથી હજુ સુધી આ હુમલા મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.