US Japan South Korea alert : દુનિયા પહેલાથી જ અનેક મોરચે ચાલતા યુદ્ધથી ઘેરાયેલી છે. પરંતુ આ બધાની વચ્ચે દુનિયાના સૌથી ખતરનાક સરમુખત્યાર ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉને એક એવું ડરામણું પગલું ભર્યું છે જેણે અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની ઊંઘ હરામ કરી દીધી છે.
આ વખતે કિમ જોંગ-ઉને માત્ર પરંપરાગત મિસાઈલનું પરીક્ષણ નથી કર્યું, પરંતુ એક ડગલું આગળ વધીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજીથી સજ્જ મિસાઈલનું ટેસ્ટિંગ કરી નાખ્યું છે.
1000 કિલોમીટરના દૂરના ટાર્ગેટને ધ્વસ્ત કર્યો
સરમુખત્યાર કિમ જોંગ-ઉન્ન પોતાની પત્ની અને પોતાની ઉત્તરાધિકારી માનવામાં આવતી પુત્રી જુ એ સાથે એકવાર ફરી ખોફની રમતનો સાક્ષી બની રહ્યા હતા. સમય હતો એક મધ્યમ અંતરની વ્યુહાત્મક મિસાઈલના પરીક્ષણનો. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, આ મિસાઈલે આશરે એક હજાર કિલોમીટરનું અંતર કાપીને પોતાના નક્કી કરેલા લક્ષ્યને નેસ્તનાબૂદ કરી દીધું.
આ પરીક્ષણ પછી દક્ષિણ કોરિયાઈ સેનાના આંકડાઓમાં વિરોધાભાસ જોવા મળ્યો. સિઓલના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટોફે દાવો કર્યો કે મિસાઈલે 700 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું. પરંતુ ખરી ચિંતા અંતરની નથી, પરંતુ એ ટેકનોલોજીની છે જેનો ખુલાસો પરીક્ષણ પછી કિમ જોંગ-ઉનની શક્તિશાળી બહેન કિમ યો-જોંગે કર્યો.
આ ટેસ્ટ એ યુનિટ્સની ટ્રેનિંગનો ભાગ
ઉત્તર કોરિયાનો દાવો છે કે આ મિસાઈલમાં પહેલીવાર AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી મિસાઈલના લોન્ચ પછી પોતે જ નિર્ણયો લેશે અને ટાર્ગેટ પર સચોટ નિશાન સાધવામાં મદદ કરે છે. એટલું જ નહીં, દાવો કરાયો છે કે આ મિસાઈલ ઓછી ઊંચાઈ પર ઊડતાં વેવ-લાઈક એટલે કે સાંપની જેમ લહેરાતા રસ્તે ચાલી શકે છે. આના કારણે એન્ટી-મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તેને ટ્રેક કરી શકતી નથી. આ ટેસ્ટ એ યુનિટ્સની ટ્રેનિંગનો ભાગ હતો જે હાઈપરસોનિક સ્ટ્રેટેજિક વેપન સિસ્ટમને ઓપરેટ કરે છે. એટલે કે સ્પીડ અને દિશા બદલવાની ક્ષમતાનું ઘાતક કોમ્બિનેશન!
આ મિસાઈલ પરીક્ષણ એવા સમયે થયું જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે પહેલાથી જ ભારે તણાવ છે. ગયા મહિને કોરિયાઈ પ્રાયદ્વીપના ડીમિલિટરાઈઝ્ડ ઝોન એટલે કે DMZની સુરંગમાં ભયંકર વિસ્ફોટ થયા. દક્ષિણ કોરિયાની સેનાએ આ વિસ્ફોટ માટે ઉત્તર કોરિયાને જવાબદાર ઠેરવ્યું હતું.
કોરિયાઈ પ્રાયદ્વીપમાં પહેલાથી જ DMZમાં સુરંગ વિસ્ફોટો અને સરહદી તણાવના કારણે સ્થિતિ સળગી રહી છે. એવા સમયે AI ટેકનોલોજીથી સજ્જ આ મિસાઈલનું સામે આવવું એ વાતનો સંકેત છે કે કિમ જોંગ-ઉન્ન પોતાની સેનાને ભવિષ્યની યુદ્ધ તકનીકો માટે તૈયાર કરી રહ્યા છે.
જોકે હજુ એ સ્પષ્ટ નથી કે ઉત્તર કોરિયાનું AI કેટલું અસરકારક છે, પરંતુ અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા આ ખતરાને હળવાશથી લેવાની જરાપણ ભૂલ નહીં કરે. હવે જોવાનું એ રહેશે કે આ મિસાઈલ ડિપ્લોમસીના જવાબમાં પશ્ચિમી દેશો કયો નવો દાવ રમે છે.