SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

નવા ટેરિફથી ભારતીય વેપારીઓએ બાંયો ચડાવી, 5 લાખ લોકોને અસર થવાનો દાવો, અમેરિકાને સીધાદોર કરવા માટે કરી આ માંગણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 14 દેશો પર નવો ટેરિફ ઝીંકવાનો પ્રસ્તાવ મૂકતા જ ભારતના વેપારીઓ ભડકી ગયા છે અને પીએમ મોદીને પત્ર લખીને જવાબી ટેરિફ લગાવવાની અપીલ કરી છે. સીટીઆઈનું કહેવું છે કે અમેરિકાના આ નિર્ણયથી 48 અબજ ડોલરની ભારતીય નિકાસ પ્રભાવિત થઈ શકે છે.

Written By Viral Raval
Published: Nov 26, 2026, 09:00 IST | Updated: Nov 26, 2026, 09:08 IST
Image Credit: AI Generated Image
Join

અમેરિકા પોતાના હિતોને કારણે બીજા દેશોને મુશ્કેલીમાં મૂકતા જરાય ખચકાતું નથી. અમેરિકાએ ભારત સહિત કેટલાક દેશો પર 25 ટકા ટેરિફ ઝીંકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. લેટેસ્ટ રિપોર્ટ્સમાં એવું  કહેવાયું છે કે જો ભારતે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી લીધી તો આ ટેરિફ 17 ટકા હોઈ શકે છે. અમેરિકા તરફથી થોપવામાં આવેલા આ ટેરિફને પગલે ભારતના વેપારીઓ ભારે આક્રોશમાં છે. વેપારીઓ અને આંતરપ્રીન્યોર્સના એક ટોચના સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)એ આ મામલે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે અને અમેરિકા ઉપર પણ જવાબી  ટેરિફ ફટકારવાની અપીલ કરી છે.

અમેરિકાનો નવો ટેરિફ બોમ્બ... ભારત સહિત 6 દેશો પર નવા ટેરિફનો પ્રસ્તાવ, ચીન પર સૌથી વધુ

CTIએ વ્યક્ત કરી નારાજગી

વેપારીઓના સંગઠન CTIના અધ્યક્ષ બૃજેશ ગોયલે ગુરુવારે એક વીડિયો બહાર પાડીને કહ્યું કે ભારત સરકારે એક્સપોર્ટ માટે બીજા દેશોના વિકલ્પ શોધવા જોઈએ  જેનાથી અમેરિકાના વેપારીઓને પણ નુકસાન પહોંચે. તેમણે કહ્યું કે જો અમેરિકા ભારત પર 25 ટકા ટેરિફ લગાવે તો અમેરિકાથી આયાત થતા સામાન ઉપર પણ  ભારત સરકારે જવાબી 25 ટકા ટેરિફ લગાવવો જોઈએ.

પ્રસ્તાવની વિગતો શું છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક મોટી જાહેરાત કરી અને દુનિયામાં ભારે ખળભળાટ મચાવી દીધો. ટ્રમ્પ પ્રશાસને ભારત અને ચીન સહિત દુનિયાના 14 મોટા દેશો પર એક નવો ઈમ્પોર્ટ ટેક્સ લગાવવાની જાહેરાત કરી. આ યાદીમાં મોટાભાગના એશિયન દેશો સામેલ છે. આવામાં નિકાસકારોનું ટેન્શન વધ્યું છે. ભારત પર આ નવા ટેરિફનું જોખમ વધ્યું છે. જો કે અમેરિકાનું કહેવું છે કે ભારત ટ્રેડ ડીલ કરે તો 17 ટકા ટેરિફ રહેશે.

જવાબી ટેરિફ લગાવવાની માંગણી

અમેરિકાના આ પ્રસ્તાવ પર સીટીઆઈના અધ્યક્ષ બૃજેશ ગોયલે પણ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે વેપારીઓએ પીએમ મોદીને એક પત્ર લખીને માંગણી કરી છે કે જર્મની, બ્રિટન, સિંગાપુર, મલેશિયા જેવા દેશોમાં એન્જિનિયરિંગ ગુડ્સની માંગ વધી રહી છે ત્યારે આવામાં ભારતે આવા દેશોને માલ વેચવા માટે વિકલ્પ શોધવો જોઈએ. તેમણે કહ્યું કે, અમેરિકા કે કોઈ પણ દેશની આવી ધમકીથી ડરવાની કોઈ જરૂર નથી.

ગોયલનું કહેવું છે કે મિનરલ્સ, મોંઘા રત્નો, આભૂષણો, સિક્કા, મેટલ્સ, ન્યૂક્લિયર રિએક્ટર્સ, અને હવાઈ જહાજના ઉપકરણો, ઈલેક્ટ્રિકલ ઈપકરણો, ઓપ્ટિકલ ઉપકરણ, પ્લાસ્ટિક સહિત અનેક સામાન અમેરિકાથી ભારત આવે છે. ભારતે આ બધી વસ્તુઓમાં અમેરકાની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને અન્ય દેશોના વિકલ્પ શોધવા જોઈએ. સીટીઆઈ ચીફનું કહેવું છે કે જો  અમેરિકા ભારત પર 25 ટકા ટેરિફ લગાવે તો ભારતે પણ અમેરિકા પર 25 ટકા જવાબી ટેરિફ લગાવવો જોઈએ.

ટ્રેડ ડીલની વાતો વચ્ચે ભારત સહિત 16 દેશો પર વળી પાછો ટેરિફનો હથોડો તોળાઈ રહ્યો છે, ગુજરાત માટે શું ચિંતા જેવું તે જાણો

રોજગારીનું સંકટ મંડરાશે

આ સાથે જ સીટીઆઈ ચીફ બૃજેશ ગોયલે કહ્યું કે અમેરિકાના 25 ટકા ટેરિફના લીધે ભારતના ટેક્સટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી, ઓટો કમ્પોનેન્ટ, કેમિકલ, ફાર્મા, સીફૂડ જેવા સેક્ટરો પર ખરાબ અસર પડશે. એટલું જ નહીં ઓછામાં ઓછું તેનાથી દેશમાં 5 લાખ લોકોના રોજગાર પર સંકટ પેદા થઈ શકે છે. ગોયલના જણાવ્યાં મુજબ વધેલા ટેરિફને પગલે બીજા દેશોની સરખામણીમાં ભારતીય માલસામાન અમેરિકામાં 25 ટકા સુધી મોંઘો થશે. જેના કારણે ત્યાંના ગ્રાહકો ભારતની સરખામણીએ અન્ય દેશોના સસ્તા સામાન તરફ વળશે.

વેપારીઓમાં શેની છે મૂંઝવણ

બીજી બાજુ સીટીઆઈ મહાસચિવ રમેશ આહૂજા અને ગુરમીત અરોડા તથા ઉપાધ્યક્ષ રાહુલ અદલખાના જણાવ્યાં મુજબ ભારત અમેરિકાને 53 ટકા ફાર્માસ્યુટિકલ, 53 ટકા કપડા અને કાપડ, 37 ટકા રત્નો અને આભૂષણ, 28 ટકા ઓટો કમ્પોનેન્ટ, 13 ટકા કેમિકલ, 22 ટકા સીફૂડ વગેરે નિકાસ કરે છે.

આવામાં વેપારીઓને જે સૌથી મોટી કન્ફ્યૂઝન છે તે એ છે કે પહેલેથી જે કંપનીઓ ઓર્ડર લઈ ચૂકી છે કે માલ રસ્તામાં છે કે અવરજવરમાં સમય લાગી શકે  છે તેમનું શું થશે. સીટીઆઈએ આંકડાના આધારે  જણાવ્યું કે ભારતે 2024માં અમેરિકાને 1.7 લાખ કરોડના એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ કરી હતી. હાલ ભારતથી અમેરિકા નિકાસ થનરા સામાન પર 10  ટકા ટેરિફ લાગી શકે છે.

વેપારીઓનું કહેવું છે કે 25 ટકા ટેરિફ લાગ્યા બાદ વેપાર કરવો મુશ્કેલ બનશે. ભારતે અમેરિકાને ગત વર્ષે ઈલેક્ટ્રોનિક્સ ગુડ્સમાં 1.25 લાખ કરોડની નિકાસ કરી હતી. જેના પર હાલ 0.41 ટકા ટેરિફ લાગતો હતો. હવે નવા ટેરિફ પ્રમાણે તેનો ભાવ પણ વધશે. જેના કારણે ઈલેક્ટ્રોનિક કંપનીઓને વેપાર કરવામાં મુશ્કેલી પડશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES