ભૂટાનમાં તળાવ ફાટતાં બંગાળ અને આસામના ઘણા જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર જે જિલ્લામાં પુરનું જોખમ સૌથી વધારે છે તેવા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
ભૂટાનમાં શિંતાકૂ તળાવ ફાટ્યા પછી જે જળપ્રવાહ ભારત તરફ આવી રહ્યો છે તેને લઈને બંગાળના અલીપુરદ્વાર, જલપાઈગુડી, દાર્જિલિંગ સહિતના જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મંત્રી નિશિથ પ્રમાણિક એ નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
શિતાંકૂ તળાવ ભૂટાનનું અતિ સંવેદનશીલ તળાવ છે. તેમાંથી નીકળેલો જળપ્રવાહ ઝડપથી ભારત તરફ આવી રહ્યો છે. અહીં રસ્તામાં આવતા વિસ્તારોમાં સતત સાયરન વગાડવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. અનુમાન છે કે બંગાળની સંકોશ નદી અને તેની સહાયક નદીઓમાં પણ પાણીનું સ્તર વધી શકે છે. સંકોશ નદી ભૂટાનમાંથી ભારતમાં આવે છે અને બંગાળ તેમજ આસામના ઘણા વિસ્તારોમાંથી પસાર થાય છે. એટલા માટે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે અને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.