અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસની પાસે ફાયરિંગની ઘટના ઘટી છે. જેમાં 5 લોકોને ગોળી વાગી હોવાના સમાચાર છે. ઘાયલોની સ્થિતિ વિશે હજુ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. ઘટના બાદ આરોપી ભાગી ગયો હતો.
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસથી લગભગ 1.6 કિમીના અંતરે લોગાન સર્કલ વિસ્તારમાં ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે. જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસ અધિકારી નાથન ક્લાર્કે જણાવ્યું કે ઘટના વિશે વિસ્તૃત જાણકારી હજુ મળી નથી. પોલીસે ઘટનાસ્થળે આસપાસના વિસ્તારમાં જવાથી બચવાની અપીલ કરી છે.
પોલીસે જણાવ્યું કે શૂટર હજુ કસ્ટડીમાં આવ્યો નથી. મેટ્રોપોલીટન પોલીસ ડિપાર્ટમેન્ટે એક્સ પર કહ્યું કે MPD 15th અને પી સ્ટ્રીટ, નોર્થવેસ્ટના વિસ્તારમાં એક્ટિવ શૂટિંગની જગ્યાએ છે. MPD ની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે છે. તે વિસ્તારમાં જવાથી બચો.
વિસ્તારમાં અનેક પોલીસ ગાડીઓની સાથે નજીકના બિલ્ડિંગો પર રાઈફલ લઈને ફરતા અધિકારીઓ જોઈ શકાતા હતા. પોલીસનાએક સ્પોક્સપર્સન ઘાયલ થયેલા લોકોની સંખ્યા કન્ફર્મ કરી શક્યા નહીં. આ ઘટના વ્હાઈટ હાઉસથી લગભગ એક માઈલ (1.6 કિમી) ઉત્તર પૂર્વમાં લોગાન સર્કલ નામના વિસ્તારમાં ઘટી. ડીસી કાઉન્સિલ મેમ્બર બ્રુક પિન્ટોએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે શૂટિંગ VIDA ફિટનેસ ક્લબમાં થયું અને અનેક લોકોને ગોળી વાગી છે.
હુમલાખોર ફાર થવાના કારણે સ્થાનિક લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ 15મી સ્ટ્રીટના 1500 બ્લોક તરફ ન જાય. આ એક ખુબ જ વ્યસ્ત અને રહેણાંક વિસ્તાર છે. જ્યાં એક જાણીતું ફિટનેસ સેન્ટર (VIDA), સેન્ટ લ્યૂક એપિસ્કોપલ ચર્ચ અને અનેક ઘરો છે. તેની બરાબર બાજુમાં હોલ ફૂડ્સ સુપરમાર્કેટ પણ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે આ સમગ્ર બ્લોકના મોટા ભાગની ઘેરાબંધી કરી છે.
ફાયરિંગના સમાચાર ફેલાતા જ પ્રશાસને સુરક્ષા કારણોસર ઘટનાસ્થળની આસપાસ રહેલી તમામ શાળાઓને લોકડાઉન કરી નાખી જેથી કરીને બાળકો અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. આસપાસના અનેક રસ્તાઓ ઉપર પણ બેરિકેડિંગ કરી ટ્રાફિક રોકવામાં આવ્યો તથા ભારે સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત કરાઈ. આ મામલાની સંવેદનશીલતા જોતા હવે તેમાં ફેડરલ એજન્સીઓ પણ સામેલ થઈ છે. બ્યૂરો ઓફ આલ્કોહલ, ટોબેકો, ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોસિવ્સ (ATF)એ પુષ્ટિ કરી છે કે સ્થાનિક પોલીસની મદદ માટે તેમના વિશિષ્ટ એજન્ટોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.