બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના છેલ્લા 2 વર્ષથી ભારતમાં છે અને હવે બહુ જલદી પોતાના દેશ પાછા ફરવાના છે. રોયટર્સના એક રિપોર્ટ મુજબ તેમના પ્રવક્તાએ મંગળવારે જાણકારી આપી કે તેઓ 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પાછા ફરવાના છે. ત્યારે આ તારીખ જ તેમણે પાછા ફરવા માટે કેમ પસંદ કરી તે પણ જાણવું જરૂરી છે.
જો તેઓ બાંગ્લાદેશ પાછા ફરશે તો શું જેલમાં જવું પડશે? જો કે આ અંગે બાંગ્લાદેશ સરકારે કોઈ જવાબ આપ્યો નથી. બાંગ્લાદેશના એક મંત્રીએ રવિવારે કહ્યું હતું કે જો શેખ હસીના પાછા ફરશે તો તેમની ધરપકડ કરીને તેમને જેલ મોકલી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને પાછા લાવવા માટે બાંગ્લાદેશ સરકારની ભારત સાથે કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી.
બાંગ્લાદેશમાં શેખ હસીનાને મોતની સજા સંભળાવવામાં આવેલી છે. 2024માં થયેલા વિરોધ પ્રદર્શન અને વિદ્રોહ બાદ તેમની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ આંદોલનના કારણે હસીનાના લાંબા સમયથી ચાલતા શાસનનો અંત આવ્યો. સંયુક્ત રાષ્ટ્રના જણવ્યાં મુજબ આ હિંસામાં લગભગ 1400 લોકોના જીવ ગયા હતા. ઓગસ્ટ 2024માં જ્યારે દેશભરમાં તેમના રાજીનામાની માંગણીને લઈને પ્રદર્શન થવા લાગ્યા તો શેખ હસીના ભારત આવી ગયા હતા. ડિસેમ્બરમાં પ્રસ્તાવિત વાપસી પહેલા તેમણે નવા પાસપોર્ટ અને ઓળખ પત્ર માટે અરજી કરી. પરંતુ બાંગ્લાદેશ સરકારે તેમની અરજી ન સ્વીકારી.