Gandhinagar News: રાજ્યનું પાટનગર ગાંધીનગર ફરી એકવાર આંદોલનોની આગમાં સપડાયું છે. સરકારના ખોટા વાયદા અને ઠાલા વચનોએ જ આ આંદોલનના વેગને હવા આપી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ ગાંઘીનગરમાં વ્યાયામ શિક્ષકો, એઇડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ અને ટાટ (TAT) ના ઉમેદવારોથી સત્યાગ્રહ છાવણી ઉભરાઈ હતી. શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્વના વિભાગો સામે એકસાથે ત્રણ મોરચે આંદોલનો વેગવાન બનતા સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે.
અમદાવાદમાં કોમનવેલ્થના ડાકલા વાગી રહ્યા છે, બીજી બાજુ ગુજરાતમાં ઓલિમ્પિક યોજવાની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે રાજ્યની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની જ મોટી અછત પ્રવર્તી રહી છે. રાજ્યમાં કુલ 5700 જગ્યાઓ સામે માત્ર 1700 વ્યાયામ શિક્ષકો જ સ્કૂલોમાં ફરજ બજાવી રહ્યા છે, અને તે પણ કરાર આધારિત છે. 19 મહિના પહેલા ગુજરાત સરકારે કાયમી ભરતી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલા વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત સરકાર હાલ ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના કરાર આધારિત કર્મચારીઓએ પણ હવે સરકાર સામે બાંયો ચઢાવી છે. પગાર વિસંગતતા, ઇન્ક્રીમેન્ટ અને અન્ય પડતર માંગણીઓને લઈને આ કર્મચારીઓ 'માસ સીએલ' પર ઉતરી જતાં રાજ્યની આરોગ્ય સેવાઓ પર સીધી અસર પડી છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી 'વિશ્વ એઇડ્સ દિવસ'ના સરકારી કાર્યક્રમનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.
શિક્ષણ વિભાગના અણઘડ વહીવટ સામે ટાટ (TAT) ના ઉમેદવારોએ પણ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. પરીક્ષામાં 47 હજાર પૈકી 30 હજાર જેટલા ઉમેદવારો નાપાસ થતાં પરિણામની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પુનઃમૂલ્યાંકનની ઉગ્ર માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તહેવારો બાદ તરત જ શરૂ થયેલા આ ત્રિપાંખિયા જંગે રાજ્ય સરકારને ભીંસમાં મૂકી દીધી છે.