એકબાજુ જ્યાં તમામ રાજકીય પક્ષો આવતા વર્ષે થનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યા છે ત્યાં તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે કારણ કે કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે ડી સોલંકી દાયકાઓ સુધી ભાજપમાં રહ્યા બાદ હવે કોંગ્રેસમાં જોડાયા છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2012માં કોડીનાર બેઠક પરથી તેઓ ચૂંટણી જીત્યા હતા. જે ડી સોલંકીના પક્ષપલટાથી કોડીનારનું રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ જે ડી સોલંકીએ કહ્યું કે સમગ્ર કોડીનાર તાલુકાના સમગ્ર સમાજના લોકોની એવી લાગણી હતી કે જેઠાભાઈ સોલંકી કોંગ્રેસમાં જોડાય જેને માન આપીને આજે હું કોંગ્રેસમાં જોડાઉ છું. કોંગ્રેસમાં જોડાવા મુદ્દે પ્રશ્ન પૂછાતા તેમણે કહ્યું કે, અત્યારની પરિસ્થિતિ તમે જાણો છો. કોડીનારની સ્થિતિથી તમે માહિતગાર છો. અમારા ત્યાં અસમાજિક તત્વોના લોકોનું રાજ ચાલે છે અને અમાસાજિક તત્વોના ત્રાસના કારણે ગરીબ લોકો, નાના વર્ગના લોકોના કામ ન થતા હોવાન કારણે અમે ભાજપ છોડીએ છીએ
અત્રે જણાવવાનું કે જે ડી સોલંકી પહેલા કોંગ્રેસમાં હતા અને પછી ભાજપમાં ગયા અને વળી પાછા કોંગ્રેસમાં ગયા છે. તેના વિશે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, અંદરોઅંદર કોઈ ખટરાગ નથી. માત્ર અને માત્ર કોડિનાર તાલુકામાં જે અસામાજિક અને ડોન તરીકે જીવન જીવે છે તેને તમે જાણો છો, એ વ્યક્તિના કારણે જ સમગ્ર કોડીનાર તાલુકાના તમામ નાગરિકો નારાજ છે. જેમને તમે બધા જાણો છો ક્રિમિલન માણસ છે 302ના આરોપી દીનુભાઈ બોઘાભાઈ સોલંકી અને શિવાભાઈ સોલંકી છે.
તેમણે કહ્યું કે હું 2027ની ચૂંટણી માટે નથી આવ્યો કારણ કે હવે તો મારી ઉંમર થઈ ગઈ. સેવાકીય કામો પહેલેથી કરું છું અને એક પાયાના કાર્યકર તરીકે કરું છું. 1981થી જાહેર જીવનમાં છું અે તમામ લોકોની સાથે જમીન સ્તરે જોડાયેલો છું. વિસ્તારના ધારાસભ્ય તો મંત્રી છે ત્યારે એ વિસ્તારમાં શું અત્યારે ઘટી રહ્યું છે તે તમે પ્રજાને પૂછો.
અત્રે જણાવવાનું કે કોડીનાર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જે ડી સોલંકીએ હવે ભાજપનો ભગવો છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. દાયકાઓ સુધી ભાજપમાં કહ્યા બાદ હવે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. વર્ષ 2012માં તેઓ ચૂંટણી લડ્યા અને કોડીનાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય બન્યા હતા. તે સમય દરમિયાન તેમણે સંસદીય સચિવ તરીકે પણ કામગીરી કરી હતી. કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપને હવે ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં પડકારો ઊભા થઈ શકે છે.