અશોક બારોટ/ જૂનાગઢ : ઓનલાઈન ઓળખાણ અને ભયાનક અંજામ! જી હા, જૂનાગઢના B-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સોશિયલ મીડિયા વાપરતી દરેક યુવતી માટે લાલબત્તી સમાન છે. બીજા જિલ્લામાંથી જૂનાગઢમાં કારકિર્દી બનાવવા અને અભ્યાસ કરવા આવેલી એક યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમની જાળમાં ફસાવવામાં આવી. ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર મિત્રતા કેળવી.
આરોપીએ પોતાની અસલી ઓળખ છુપાવી દીધી. પોતે અવિવાહિત છે અને ગાડીઓનો મોટો બિઝનેસ કરે છે તેવું જૂઠાણું બોલીને યુવતીનો વિશ્વાસ જીતી લીધો અને લગ્નની લાલચો આપી દીધી!
વાત માત્ર લગ્નની લાલચ સુધી સીમિત ન રહી...પરંતુ પ્રેમની આડમાં ખેલાયો હવસનો ઘૃણાસ્પદ ખેલ! આરોપીએ ડિજિટલ હથિયાર અપનાવ્યું અને યુવતીનો આખો મોબાઈલ ફોન તેમજ વોટ્સએપ એકાઉન્ટ હેક કરી લીધું. યુવતીના પર્સનલ ડેટા અને ચેટ્સ પોતાના કબજામાં લઈને આરોપીએ તેને ડરાવવાનું અને ધમકાવવાનું શરૂ કર્યું.
બ્લેકમેઈલિંગના જોરે યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું. હદ તો ત્યારે થઈ જ્યારે પીડિતાને શારીરિક તકલીફ થતાં તેને હોસ્પિટલ લઈ જવાઈ અને ત્યાં તેની જાણ બહાર ગર્ભપાત કરાવી દેવાયો! આ નરાધમની હેવાનિયતનો ખુલાસો ત્યારે થયો જ્યારે યુવતીએ તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફંફોળી અને સામે આવ્યું કે આરોપી તો પહેલેથી જ પરિણિત છે, અને તેનું સાચું નામ 'ફરાજ ઉર્ફે ઈમ્તિયાઝ કાદરભાઈ સુમરા' છે!.
ઓળખ છુપાવી યુવતીનું આર્થિક અને શારીરિક શોષણ કરનાર આ શખ્સ આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. પીડિતાની ફરિયાદના આધારે જૂનાગઢ B-ડિવિઝન પોલીસે નોંધી મુખ્ય આરોપી ફરાજ ઉર્ફે ઈમ્તિયાઝ કાદરભાઈ સુમરાની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, આ પાપમાં તેનો સાથ આપનારા તેના બે મદદગાર મિત્રો- જૂનાગઢના શોએબ અને તાલાલાના અસ્પાકને પણ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં આ કેસની આગળની તપાસ SOGને સોંપવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓએ યુવતીનો મોબાઈલ અને વોટ્સએપ કેવી રીતે હેક કર્યો? શું આ હેકિંગમાં કોઈ મોટી ગેંગ સામેલ છે? ગર્ભપાત કઈ હોસ્પિટલમાં અને કોની મદદથી કરાયો?.
ડિજિટલ દુનિયાના ઓઠા હેઠળ આચરવામાં આવેલા આ ભયાનક ક્રાઈમે સમગ્ર જૂનાગઢમાં ચકચાર મચાવી દીધી છે, ત્યારે પોલીસ આ નરાધમોને કડકમાં કડક સજા અપાવવા કમર કસી રહી છે.
સોશિયલ મીડિયા આજના સમયમાં જેટલું ઉપયોગી છે, એટલું જ તે ગુનેગારો માટે હથિયાર બની રહ્યું છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે અજાણ્યા આઈડી અને અજાણી વાતો પર ભરોસો ન કરો.