Live: દાહોદ જિલ્લામાં AAPમાં ભંગાણ, જામનગરમાં દરોડો પાડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, ભાજપના સ્નેહ મિલનમાં કેમ અકળાયા MLA ચૈતન્ય દેસાઈ?
Live Updates: આજે 23 નવેમ્બર કારતક સુદ ચૌદસનો દિવસ છે. આજ રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
23 Nov 2026 09:30 IST
Live Updates: મચ્છરના ત્રાસથી સ્થાનિકોએ મેયરને ભજીયા ખાવા આમંત્રણ આપ્યું
સુરતમાં મચ્છરના ત્રાસથી સ્થાનિકોએ મેયરને ભજીયા માટે આપ્યું આમંત્રણ. પુણા વિસ્તારમાં આવેલી સહયોગ સોસાયટીમાંથી પસાર થાય છે ખાડી. સહયોગ, સમ્રાટ, ગૌતમ વગેરે સોસાયટીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. સ્થાનિકો હવે મહાનગરપાલિકા સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. સ્થાનિક મહિલાએ કહ્યું, મેયરશ્રીને અમારી ઘરે ભજીયાનું આમંત્રણ આપું છું. મેયર અમારા ઘરે ભજીયા ખાય અને પાંચ દિવસ રોકાય. જો તેમને મચ્છરથી બીમારી ન થાય તો અમે માફી માંગીશું. બાકી મેયરને પાંચ દિવસમાં મચ્છરથી બીમારી થાય તો મેં એને જવાબદારી લેવી પડશે. અમે લોકો કંટાળી ગયા છીએ આ મચ્છરના ત્રાસથી. ખાડીની સફાઈ રેગ્યુલર થતી નથી, ખાડી પૂરવાની વાત છેલ્લા 30 વર્ષથી એમની એમ જ છે. નેતાઓ ખાલી વોટ લેવા ટાણે આવે છે અને જતા રહે છે... પછી પાંચ વર્ષ કોઈ જોતું નથી.. નેતાઓને પણ વિનંતી છે મહેરબાની કરી અને અમારી સામું જુઓ...
23 Nov 2026 08:55 IST
Live Updates: જાફરાબાદમાં પોલીસ આવાસ સુધી પહોંચી ગયા વનરાજ
Live Updates: તલવાર માત્ર રાખી નથી, જરૂર પડ્યે ઉપયોગ પણ કરું છું- રાજ્યમંત્રી પરસોતમ સોલંકી
ભાવનગરમાં રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી દ્વારા નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી નિમુબેન બાંભણિયા સહિત રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરસોતમભાઈ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં સંબોધન કરી અનેક નિવેદનો આપ્યાં હતાં. મંત્રીપદ, રાજકીય કામગીરી, કોળી સમાજના મુખ્યમંત્રી અને આગામી 2027ની ચૂંટણીને લઈને પણ તેમણે મુક્તમને વાત કરી હતી. સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત શુભેચ્છકોને સંબોધતા રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે, હું માત્ર વાતો નથી કરતો, પરંતુ કામ કરીને દેખાડું છું. છેલ્લા 30 વર્ષથી મંત્રી છું. પરંતુ ક્યારેય કોઈની પાસે મંત્રીપદની માગણી કરી નથી. કોઈને જાકારો આપ્યો નથી અને મારાથી બનતા તમામ પ્રયત્નો કરતો રહ્યો છું. 30 વર્ષમાં કંઈ થયું નથી. પરંતુ હવે કંઈ થાય તો હું પાછી પાની કરવાનો નથી. તેમણે પોતાના અંદાજમાં તલવારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તલવારો માત્ર રાખી નથી. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરું છું.
ઈન્દોરથી કોલ સેન્ટર ઝડપાયું. બોગસ વેલ્થ ટ્રેડ એપથી ઠગાઈનું મસમોટું રેકેટ. 5 ટેલિકોલરની પૂછપરછ. મુખ્ય સૂત્રધારો ઈનાયત ખાન, સોહેલ અને મેનેજર રાકેશ વોન્ટેડ. ડીમેટ એકાઉન્ટના ID-પાસવર્ડ મેળવી એપ ડાઉનલોડ કરાવી દેશભરમાંથી લાખો રૂપિયા ખંખેર્યા. સાયબર સેલની પણ મનમાની સામે આવી. ગુનેગાર પકડાય પછી જ FIRનું રટણ કર્યું, સન્ડે આરામ. લોકોને ન્યાય માટે વલખાં મારવા પડ્યા. ઇન્ચાર્જ CPની ટકોર પણ બેઅસર રહી. સુરતના રહીશ પાસેથી ટ્રેડિંગના નામે કુલ રૂા.14.48 લાખ પડાવી લેવાયા હતા
23 Nov 2026 08:49 IST
Live Updates: સ્નેહ મિલન કાર્યક્રમમાં બોલ્યા ધારાસભ્ય, કાર્યકરોનો મારાથી સ્નેહ ઓછો થઈ ગયો એવું લાગે છે
વડોદરામાં ભાજપ દ્વારા વિધાનસભા બેઠક પર એકસાથે સ્નેહ મિલન કાર્યક્રમ. અકોટા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં કાર્યકરોની પાંખી હાજરી. પાંખી હાજરીના કારણે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અકળાયા. ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યકરો પર બગડ્યા. આજે કાર્યક્રમમાં ગડબડ ગડબડ જ ચાલી રહી છે. બધા લેટ લતીફ થઈ ગયા છે, બપોરે 3.30 ના બદલે બધા પોતપોતાના સમયે આવી રહ્યા છે. આજે કાર્યક્રમમાં મારા સહિત બધાથી ભૂલ થઈ રહી છે. કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમની ખામીને લઈ પણ ધારાસભ્ય અકળાયા. સાઉન્ડ ઓપરેટર પર પણ અકળાયા ધારાસભ્ય. ચૈતન્ય દેસાઈનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચૈતન્ય દેસાઈ વીડિયોમાં કહે છે, કાર્યકરોનો મારાથી સ્નેહ ઓછો થઈ ગયો છે એવું લાગે છે. કાર્યકરોએ ભારત માતા કી જયનો નારા જોરથી ના લગાવતા ધારાસભ્ય બોલી ઉઠ્યા.
23 Nov 2026 08:48 IST
Live Updates: નવસારીના કછોલ ગામમાં દીપડાના આંટાફેરા
નવસારીના ગણદેવી તાલુકાના કછોલ ગામમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. નવાગામ રોડ પર આવેલા માહ્યાવંશી મહોલ્લામાં દીપડો દેખાયો. માજી સરપંચ કિરીટભાઈ ડી. પટેલના ઘરના કમ્પાઉન્ડમાં દીપડાના આંટાફેરા. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ. વન વિભાગની ટીમને ઘટના અંગે જાણ કરાઈ
23 Nov 2026 08:48 IST
Live Updates: સુરતના પાંડેસરામાં 25 વર્ષીય 3 શ્રમજીવીના મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં 25 વર્ષીય ત્રણ શ્રમ જીવીના મોતના સમાચાર છે. તાવમાં સપડાયા બાદ મોત નિપજ્યું. 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાજર તબીબે તેમને મૃત ઘોષિત કર્યા.
23 Nov 2026 08:48 IST
Live Updates: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કારણે ઉમેદવારો મૂંઝવણમાં
અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કારણે ઉમેદવારો મૂંઝવણમાં મૂકાયા. CCE ની મેઈન્સની પરીક્ષા નજીક હોવા છતાં કોલ લેટર રિલીઝ કરવામાં ન આવ્યા. ગ્રુપ અ અને B ની મેઈન્સ પરીક્ષા 28-29 નવેમ્બરે યોજાશે. પરીક્ષાના ગણતરીના દિવસ બાકી છતાં કોલ લેટર આવ્યા નહીં. કુલ 7338 જગ્યાઓ માટે 3.82 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પ્રિલીમનરી પરીક્ષા. 3 નવેમ્બરે પ્રિલીમ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અંદાજિત 51 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેઈન્સ માટે શોર્ટ લિસ્ટ થયાં.
23 Nov 2026 08:47 IST
Live Updates: જામનગરમાં નશીલા પદાર્થો અંગેના દરોડા દરમિયાન પોલીસ પાર્ટી પર પથ્થરમારો: બે પોલીસ કર્મચારી ઘાયલ
જામનગર પોલીસ વિભાગની એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર અને પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત રવિવારે રાત્રિના સમયે જામનગરના સિટી-સી ડિવિઝન પોલીસ મથક હેઠળના બાલાજી પાર્ક વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ પાર્ટી ઉપર અચાનક પથ્થરમારો કરવામાં આવતાં એક પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો બનાવ બન્યો હતો.
23 Nov 2026 08:47 IST
Live Updates: દાહોદ જિલ્લામાં AAPમાં ભંગાણ
દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીમાં ભંગાણ. આપના યુવા મોર્ચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપમાં જોડાયા. આપના રાકેશ ભરવાડ ભાજપમાં જોડાયા. લીમખેડા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપમાં જોડાયા. સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો.
આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે. વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.