Morbi News: મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી પસાર થતા નેશનલ હાઈ-વે પર લોકોના જીવ જોખમમાં મૂકાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જેમાં કિલોમીટર અને પરિવહન ખર્ચ બચાવવાની લાલસામાં એક તોતિંગ ટ્રકમાં લઈ જવાતા પવનચક્કીના વિશાળ પાંખિયા રેલવેના લોખંડના બ્રિજ નીચેથી અત્યંત જોખમી રીતે પસાર કરવામાં આવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાત્રિના અંધારામાં પવનચક્કીના પાંખિયા ભરેલા મહાકાય ટ્રકને બ્રિજ નીચેથી કાઢવા માટે ટ્રકના ટાયરની હવા ઓછી કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, રેલવેના લોખંડના બ્રિજની ઊંચાઈ અને સલામતી માટે લગાવવામાં આવેલા 'રેલવે મીટર ગેજ' સાથે પણ ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ ઘટનાની સૌથી ભયાનક વાત એ છે કે, જ્યારે ટાયરની હવા ઓછી કરીને આ તોતિંગ ટ્રક બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બરાબર તે જ સમયે બ્રિજની ઉપરના પાટા પરથી એક ટ્રેન પણ પસાર થઈ રહી હતી. જો ટ્રકનો ઉપરનો ભાગ લોખંડના બ્રિજ સાથે અથડાયો હોત અને બ્રિજને નુકસાન થયું હોત, તો મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હોત અને સેંકડો નિર્દોષ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોત.
માત્ર થોડા કિલોમીટર બચાવવાની લાલસા અને ખર્ચ ઘટાડવા માટે ટ્રાન્સપોર્ટરો દ્વારા આ પ્રકારનું જીવલેણ જોખમ લેવામાં આવી રહ્યું છે. રાત્રિ દરમિયાન ચાલતા આ જોખમી ખેલનો વીડિયો વાયરલ થવા છતાં હાલ રેલવે વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, જો આ બેદરકારીના કારણે રેલવેનો પુલ તૂટે કે કોઈ મોટી જાનહાનિ થાય, તો તેની જવાબદારી કોણ લેશે?