બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફની ગાડી પર રવિવારે સાંજે જે હુમલો થયો તે અંગે અત્યંત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે જે અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં પહેલી એ છે કે ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરતા પહેલા આરોપીઓએ મુંબઈ આસપાસ ક્યાંક ફાયરિંગની પ્રેક્ટિસ કરી હતી. તદ ઉપરાંત આરોપીઓનું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ હથિયાર અને મોબાઈલ મુંબઈથી સુરત વચ્ચે ક્યાંક છૂપાવ્યા હોવાની આશંકા છે.
ટાઈગર શ્રોફ પર હુમલો કરનારા આરોપીઓની પૂછપરછમાં જે વાત સામે આવી છે તે મુજબ આરોપીઓએ મુંબઈની આસપાસ ક્સાક ફાયરિંગની પ્રેક્ટિસ કરી હતી. જેમાંથી એક આરોપીએ બે ફાયર કર્યા હતા જ્યારે બીજા આરોપીએ ફાયર પ્રેક્ટિસ તરીકે કર્યું જેથી કરીને પિસ્તોલ બરાબર કામ કરે છે કે નહીં તે ખબર પડે.
અન્ય એક માહિતી એ સામે આવી છે કે મુંબઈમાં અંધેરીની કોઈ હોટલમાં બંને આરોપીઓ જ્યાં રોકાયા હતા ત્યાં અચાનક પિસ્તોલની તપાસ કરતી વખતે ફાયરિંગ થઈ ગયું હતું જે હોટલના રૂમના બેડ પર ગોળી વાગી હતી. જો કે આ વાતની હોટલના સ્ટાફને ખબર પણ પડી નહતી.
(ઈનપુટ- ઉદય રંજન)
ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા મામલે હવે તાર હરિયાણાના સોનીપત સાથે પણ જોડાઈ રહ્યા છે. મુંબઈ પોલીસે સોનીપતમાં એકવાર ફરીથી મોટું એક્શન લેતા વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. જેમની ઓળખ દેવરૂ ગામના સમીર અને ખરખૌદાના નીતિન તરીકે થઈ છે. હવે આ મામલે અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ થઈ છે. સમીર અને નીતિનને મેડિકલ તપાસ માટે લઈ જવાયા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર હવે બંને આરોપીઓને પોલીસ મુંબઈ લઈ ગઈ છે.
સમીર અને નીતિન વિશે અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ સમીરે જ રેહાનની વાત અનિલ પંડિત સાથે કરાવી હતી. જ્યારે પોલીસનો એવો પણ દાવો છે કે ઘટનામં સામેલ આરોપી નીતિનની ગાડીમાં સવાર થઈને ગયા હતા. નીતિન અગાઉ પકડાયેલા સુમિતનો મિત્ર હોવાનું કહેવાય છે. આ સમગ્ર મામલે સોનીપતથી અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ થઈ છે.