રઘુવીર મકવાણા, બોટાદ : બોટાદની જલાલપુર ગામની પ્રાથમિક શાળામાં પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદ માટે લોકદરબાર યોજાયો હતો. ગામના લોકોએ ઢસા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.ડી. આહીર સામે દારૂના દૂષણની ગંભીર ફરિયાદ કરી અને ગામમાં દારૂ બંધ કરાવવા આજીજી કરી, પરંતુ કાયદો વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, એ પીએસઆઈ સાહેબે પ્રજાને રક્ષણ આપવાના બદલે એવું કહી દીધું કે ભારે ચર્ચા જાગી છે. પીએસઆઈએ સરેઆમ સ્વીકારી લીધું કે ગમે તે થાય, દારૂ બંધ કરાવવો અશક્ય છે.
ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં, જ્યાં દારૂબંધીનો કડક કાયદો છે, ત્યાં પબ્લિક પ્લેટફોર્મ પર પીએસઆઈના આવા નકારાત્મક શબ્દોએ સમગ્ર પોલીસ બેડાને શર્મસાર કરી દીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતાં જ ઉચ્ચ અધિકારીઓ એકશનમાં આવ્યા. પરિણામે, બોટાદના જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા.
આ સમગ્ર શરમજનક નિવેદનની તપાસ DYSP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. આ વાયરલ વીડિયોનો વિવાદ એટલો વકર્યો કે કલાકોમાં જ ખાખી એક્શન મોડમાં આવી ગઈ. સરેઆમ સિસ્ટમની મજાક ઉડાવનારા ઢસા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.ડી. આહીરને એસપી ધર્મેન્દ્ર શર્માએ તાત્કાલિક અસરથી લિવ રિઝર્વમાં મૂકી દીધા છે અને તેમની બદલીના આદેશ પણ કરી દેવાયા છે.
ગામ લોકો જે પોલીસ પાસે ન્યાય અને બુટલેગરો સામે એક્શનની આશા રાખીને બેઠા હતા, તેમને પીએસઆઈના આ નિવેદનથી મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે માત્ર લિવ રિઝર્વ કે બદલી કરીને જ સંતોષ મનાશે, કે પછી સરેઆમ દારૂબંધીના કાયદાનો જનાજો કાઢનાર આ પીએસઆઈ સામે કોઈ કડક ખાતાકીય પગલાં ભરાશે.
એક તરફ સવાલ એ પણ થઈ રહ્યો છે કે, જો ગુજરાતમાં દારૂબંધી છે, તો ગલીએ ગલીએ દારૂ કઈ રીતે મળી રહ્યો છે? શું બુટલેગરો અને પોલીસની મિલીભગતથી જ આ આખું નેટવર્ક ચાલી રહ્યું છે? પીએસઆઈ આહીરે ભલે લેખિતમાં નહીં, પણ બોલીને એ સ્વીકારી લીધું છે કે તંત્ર લાચાર છે અને કાયદો માત્ર કાગળ પર છે.