ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં ગુજરાતીઓ ભરેલી બસ અકસ્માતગ્રસ્ત થઈ. ગુજરાતના જૈન શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરેલી એક બસને રવિવારે મોડી રાતે ઝારખંડના મધુબન નજીક અકસ્માત નડ્યો. વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થળ સમ્મેદ શિખરજી પારસનાથ પર્વતના દર્શન કરીને પાછા ફરેલા જૈન શ્રદ્ધાળુઓની આ બસ બેકાબૂ થઈને પલટી ખાઈ ગઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં પતિ અને પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે બસમાં સવાર અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.
અકસ્માતનો ભોગ બનેલા તમામ શ્રદ્ધાળુઓ ગુજરાતના સુરતના હતા અને પારસનાથ પર્વતના દર્શન માટે ગયા હતા. દર્શન અને પૂજન બાદ બધા બસથી પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન મધુબન નજીક અચાનક બસ બેકાબૂ બની અને રસ્તા કિનારે પલટી ગઈ. બસના પલટી ખાતા જ મુસાફરોમાં અફરાતફરી મચી હતી. અનેક મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા. આસપાસના લોકો તરત જ દોડીને ઘટનાસ્થળે આવ્યા અને બચાવ કાર્યમાં લાગ્યા હતા.

આ દર્દનાક અકસ્માતમાં સુરતના રહેવાસી બાબુલાલ વંશરાજ જૈન અને તેમના પત્ની બદામી દેવીનું મોત નિપજ્યું. બસમાં અનેક મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. એવું કહેવાય છે કે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને અનેક મુસાફરો ઘાયલ થયા. ઘાયલોમાં મહિલાઓ અને વૃદ્ધો સામેલ છે. અનેકને સામાન્ય ઈજા થઈ છે તો કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પણ કહેવાય છે.

ઘટનાની જાણ થતા જ ડુમરીના એસડીપીઓ આબિદ ખાન, મધુબન પોલીસ મથક અને આસપાસની પોલીસની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને ભારે જદ્દોજહેમતથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઘાયલોને સારવાર માટે સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખસેડાયા. ગંભીર રીતે ઘાયલ લોકોને સારી સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રેફર કરાયા હોવાની વાત પણ સામે આવી છે.

આ અકસ્માત કયા કારણે થયો તે હજું સ્પષ્ટ નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં પૂરપાટ ઝડપ કે વળાંક પર બસ બેકાબૂ થઈ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. અકસ્માતની જાણ થતા જ શ્રદ્ધાળુઓના પરિજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પ્રશાસન તરફથી રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.