Gujarat Government Promotions: રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય અંતર્ગત ગુજરાત સરકારમાં સેવા આપતા કુલ 64 નાયબ સેક્શન અધિકારીઓ (DySO)ને ઉચ્ચ હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. આ તમામ અધિકારીઓને હવે સેક્શન અધિકારી (SO) તરીકે બઢતી આપીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે આ દિવાળીની ભેટ સમાન સાબિત થયું છે.
આ બઢતી અંગેની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. વિભાગ દ્વારા પ્રમોશનના તમામ નિયમો અને પ્રક્રિયાઓને અનુસરીને આ અંગેનો વિધિવત હુકમ બહાર પાડવામાં આવ્યો છે, જેથી અધિકારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બઢતી મેળવનાર સેક્શન અધિકારીઓને ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ અને સચિવાલયના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે. સરકારના વિવિધ મહત્ત્વના વિભાગોમાં વહીવટી કામગીરી વધુ વેગવાન બને અને અધિકારીઓની અછત ન સર્જાય તે હેતુસર આ નિયુક્તિઓ કરવામાં આવી છે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બઢતી મેળવનારા તમામ 64 અધિકારીઓની વિભાગવાર નિમણૂકનું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ યાદી અનુસાર કયા અધિકારીને કયા વિભાગમાં જવાબદારી સોંપવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો આપવામાં આવી છે, જેથી અધિકારીઓ સમયસર પોતાના નવા પદ પર કાર્યભાર સંભાળી શકે.




