પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ ગુજરાત ભાજપમાં રાજકીય ધમધમાટ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત બાદ સરકાર અને સંગઠન એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે. ભાજપની ગતિવિધિ જોતા લાગી રહ્યું છે કે પાર્ટી આગામી વર્ષ 2027મા યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ બાદ ભાજપનો એક્શન પ્લાન સામે આવ્યો છે.
શુક્રવાર અને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પીએમ મોદીના પ્રવાસ બાદ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના એક દિવસના પ્રવાસમાં જૂના અને નવા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકો અને તેમાં થયેલી ચર્ચાઓ બાદ ભાજપનો એક્શન પ્લાન સામે આવ્યો છે. ભાજપે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી વિસ્તારમાં 72 કલાકના પ્રવાસે જવાના છે, બીજીતરફ SIR મુદ્દે ભાજપનો યુવા મોરચો પણ મેદાને પડ્યો છે.
પીએમ મોદીની ગુજરાત મુલાકાત બાદ લાગી રહ્યું છે કે ભાજપે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપના તાજેતરના અને આગામી કાર્યક્રમોમાં પણ તેની છાપ જોવા મળી રહી છે. એક તરફ ભાજપ દ્વારા દિવાળી બાદ સ્નેહમિલન યોજવામાં આવી રહ્યું છે. બીજીતરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી વિસ્તારના પ્રવાસે જવાના છે. એક તરફ સરકાર સક્રિય થઈ છે બીજીતરફ સંગઠન પણ નવી ગતિવિધિઓમાં લાગી ગયું છે.
ગુજરાતમાં આગામી વર્ષ એટલે કે ડિસેમ્બર 2027મા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 2022ની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ ભાજપની નજર નવો રેકોર્ડ બનાવવા પર છે. સરકાર અને સંગઠન આ અંગે રણનીતિ બનાવી રહ્યાં છે. મિશન 2027ને ધ્યાનમાં રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જાણો ભાજપના આગામી મુખ્ય કાર્યક્રમ અને તેની વિગત...
ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવાર (16 નવેમ્બર) ના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પ્રભારી તરૂણ ચૂગ સહિતના અનેક નેતાઓ હાજર રહેશે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓને આગામી રણનીતિ અને પોતાનો રોડમેપ જણાવી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા આદિવાસી ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 નવેમ્બરે બિરસા મુંડાની જયંતિ નિમિતે રાજ્યમાં અનેક જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની નજર આદિવાસી મતદારો પર છે. રાજ્ય સરકાર આદિવાસી મતદારોને રીઝવવા અને આગામી 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખી સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 18થી 20 નવેમ્બર દરમિયાન ગુજરાતના આદિવાસી વિસ્તારમાં 72 કલાકના પ્રવાસે જઈ રહ્યાં છે. મુખ્યમંત્રી આ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સ્થાનિક લોકોને સાંભળશે. ગુજરાતમાં આદિવાસી ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ભાજપ યુવા મોરચો પણ મેદાને
તાજેતરમાં કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા ચૂંટણી પંચ અને SIR ની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. દેશભરમાં વિપક્ષ દ્વારા SIR મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસે આ મુદ્દે વિરોધ કર્યો હતો. હવે આ મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા માટે ભારતીય જનતા યુવા મોરચો મેદાને પડ્યો છે. ભાજપ યુવા મોરચા દ્વારા રાજ્યભરની તમામ વિધાનસભા સીટો પર જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન યુવાનો સાથે સંવાદ કરવામાં આવશે. શાળા-કોલેજોમાં ક્વિઝ અને વકૃત્વ સ્પર્ધાઓ યોજવામાં આવશે. એટલે કે ભાજપ યુવા મોરચાનો પ્લાન SIR અંગે લોકોનાં મનમાં રહેલા સવાલો દૂર કરી પાર્ટી સાથે લોકો જોડાઈ તે માટેનો છે.
સરકાર અને સંગઠન એક સાથે મેદાને
તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન શુક્રવારે મોડી રાત્રે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. ભલે પાર્ટીના નેતાઓ આ બેઠકને નવા વર્ષની શુભેચ્છા ગણાવી રહ્યાં હોય, પરંતુ રાજકીય વર્તુળોમાં આ બેઠકને આગામી ચૂંટણીની તૈયારીઓ અને સંગઠનને મજબૂત બનાવવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં પાર્ટી અને સંગઠન એક દિશામાં કામ કરે અને ભાજપને 2027ની ચૂંટણીમાં ભવ્ય જીત અપાવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.