(ઈનપુટ, ગોૌરવ દવે, રાજકોટ): રાજકોટમાં જળસંકટને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારે નર્મદાના નીર પૂરાં પાડવા માટે લીલી ઝંડી આપી દીધી છે. એટલે કે હવે નર્મદાના પાણી જરૂરિયાત પૂરી પાડશે. આજે આ માટે સમયપત્રક પણ જાહેર કરવામાં આવશે.
અત્રે જણાવવાનું કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને પગલે પાણી અને ઘાસચારાની સ્થિતિને લઈને ચિંતા પ્રવર્તી રહી છે. ત્યારે સરકારનો આ નિર્ણય લોકોને રાહત આપી શકે છે.
અત્રે નોંધનીય છે કે પાણીની વકરતી સ્થિતિને પગલે રાજ્ય સરકાર દ્વારા શું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંગે મંત્રી કુંવરજી બાવળિયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ જણાવ્યું કે, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સરકાર દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગોતરા આયોજનના ભાગરૂપે આ સર્વે કરવામાં આવ્યો હતો, જેથી જ્યાં વરસાદ ઓછો પડ્યો છે ત્યાંની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવી શકાય અને જરૂરિયાત મુજબ પગલાં લઈ શકાય.
તેમણે કહ્યું કે, રાજ્યમાં જ્યાં પાણીની જરૂરિયાત છે. તેવા વિસ્તારોમાં પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઓછા વરસાદના કારણે ઊભી થતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારની નજર ઓછો વરસાદ ધરાવતા વિસ્તારો પર છે અને ત્યાંની સ્થિતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો અને માલધારી સમાજ માટે વરસાદની અછત ચિંતાનો વિષય બની રહી છે. એક તરફ પાણીની જરૂરિયાત છે. તો બીજી તરફ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા પણ મહત્વપૂર્ણ બની છે. ત્યારે સરકાર દ્વારા સર્વેના આધારે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ અને કયા વિસ્તારોમાં વધુ સહાયની જરૂર પડશે, તેના પર સૌની નજર છે.
આ સમગ્ર મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે ભવિષ્યમાં જ્યાં જરૂર જણાશે ત્યાં સરકાર દુષ્કાળ જાહેર કરશે. એટલે કે, હાલ સરકાર દ્વારા ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત ઊભી થશે તો તે મુજબ નિર્ણય લેવામાં આવશે.હવે જોવાનું એ રહેશે કે ઓછા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા આગામી દિવસોમાં કેવાં પગલાં લેવામાં આવે છે