Navsari News: દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત વચ્ચે દરરોજ મુસાફરી કરતા લાખો નોકરિયાતો અને મુસાફરો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના કાળથી બંધ થયેલી લોકલ ટ્રેનો અને અપડાઉનમાં પડી રહેલી ભારે હાડમારી વચ્ચે, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને સ્થાનિક સાંસદ સી. આર. પાટીલની આગેવાનીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરાયેલી સફળ રજૂઆતના પરિણામે આજે વલસાડ-સુરત મેમુ ટ્રેનનો વિધિવત પ્રારંભ થયો છે.
બપોરના સમયે વલસાડ આવીને પડતર રહેતી વિરાર મેમુને હવે સુરત સુધી લંબાવવામાં આવતાં, છેલ્લા 7 વર્ષથી આર્થિક અને સમયનું નુકસાન વેઠતા મધ્યમ વર્ગમાં ભારે હર્ષની લાગણી છવાઈ છે. દક્ષિણ ગુજરાતના રેલવે વ્યવહાર માટે આજનો દિવસ એક આશીર્વાદ સમાન સાબિત થયો છે. કોરોના મહામારી બાદ અનેક ટ્રેનો બંધ થતાં નવસારીથી વાપી અને સુરત તરફ રોજગાર અર્થે જતાં હજારો મુસાફરોને રોડ માર્ગે મોંઘી સફર કરવા મજબૂર બનવું પડતું હતું.
નવસારી રેલવે સલાહકાર સમિતિના સભ્ય જયદીપ દેસાઈની આ વ્યવહારુ રજૂઆતને સાંસદ સી. આર. પાટીલે દિલ્હી દરબાર સુધી પહોંચાડીને આખરે મંજૂરી અપાવી છે. આ નવી વ્યવસ્થા મુજબ, વલસાડથી ઊપડી આ મેમુ ટ્રેન બપોરે 3:18 કલાકે નવસારી થઈ સુરત પહોંચશે અને સાંજે 6 કલાકે સુરતથી પરત નવસારી આવી વલસાડ થઈ વિરાર તરફ આગળ વધશે.
આજે નવસારી રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને મેયર અશોક ધોરાજીયા સહિતના નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં આ ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેણે વર્ષો જૂની હાડમારીનો અંત આણ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રેનની સુવિધાના અભાવે રોડ માર્ગે મુસાફરી કરી બજેટ અને સમય બંને ગુમાવતા દક્ષિણ ગુજરાતના અપડાઉનર્સ માટે આ નિર્ણય માત્ર એક ટ્રેનની શરૂઆત નથી, પરંતુ તેમના દૈનિક જીવનની મોટી રાહત છે. પ્રજાની સાચી રજૂઆત જો યોગ્ય સ્તરે પહોંચે તો કેવા સુખદ પરિણામો આવી શકે, આ મેમુ ટ્રેન તેનો જ્વલંત પુરાવો છે.