Gujarat High Court: તાજેતરમાં રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશ પરમાનંદભાઈ શુક્લની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. જી હા...ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષી નેતા તુષાર ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી ઈલેક્શન પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ. વી. પિન્ટોએ ભાજપના સાંસદ રાજેશ શુક્લ સામે સમન્સ બજાવ્યું છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજાશે.
ભાજપના સાંસદ રાજેશ શુક્લ સોગંદનામામાં ગંભીર ગુનાઓ છુપાવ્યાનો આક્ષેપ
વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં રજૂઆત કરી હતી કે, ભાજપના સાંસદ રાજેશ શુક્લે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની વિરુદ્ધ કોઈ પણ ફોજદારી કેસ પડતર ન હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવમાં તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 406, 420, 45, 467, 498 અને 471 હેઠળ અત્યંત ગંભીર ગુનાઓ દાખલ છે. આ મામલે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને અગાઉ સમન્સ પણ પાઠવવામાં આવ્યા હતા.
રાજેશ શુક્લ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ક્વાશિંગ પિટિશન દાખલ કરાઈ
તુષાર ચૌધરીની અરજીમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ ગુનાઓ સંબંધિત નીચલી કોર્ટની ફરિયાદ રદ કરાવવા માટે રાજેશ શુક્લ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ક્વાશિંગ પિટિશન દાખલ કરવામાં આવેલી છે, જે હાલ પણ પડતર છે. ખાસ વાત એ છે કે, ગુજરાત હાઈકોર્ટે આ કેસની કાર્યવાહી પર કોઈપણ પ્રકારનો સ્ટે આપ્યો નથી.
ભાજપ સાંસદ રાજેશ શુક્લની ચૂંટણી રદ કરવાની દાદ મંગાઈ
ભાજપ સાંસદ રાજેશ શુક્લને પોતાની સામે નોંધાયેલા ફોજદારી કેસોની સંપૂર્ણ જાણકારી હોવા છતાં આ હકીકત છુપાવીને લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓનો ભંગ કર્યો છે. પિટિશનમાં આ કૃત્યને લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ ગણાવીને, સાચી માહિતી છુપાવવાના આધારે ભાજપ સાંસદ રાજેશ શુક્લની ચૂંટણી રદ કરવાની દાદ (માગણી) માંગવામાં આવી છે.