ઉદય રંજન/અમદાવાદ: સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓ નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારની જાણે કે તક ઝડપવા બેઠા હોય તેમ લાગી રહ્યું છે..આ ગઠિયાઓ દિવાળી બોનસના નામે મેસેજ મોકલીને એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી છેતરપિંડી આચરતા હોવાનું સાયબર ક્રાઇમના ધ્યાનમાં આવ્યું છે..જો કે સાયબર ક્રાઇમના ધ્યાનમાં છેતરપિંડીની નવી મોડસ ઓપરન્ડસી આવતા લોકોને જાગૃત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે..સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓ કેવી રીતે છેતરપિંડી કરી શકે છે. અને બચવા માટે શું કરવું જોઇએ તે જોઇએ.
ટેકનોલોજી જેટલા અંશે ઉપયોગી બની રહી છે, એટલા જ અંશે લોકો માટે મુસીબત પણ સાબિત થઇ રહી છે..સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓ જાણે કે તકનો લાભ ઝડપીને લોકોના ખીસ્સા ખાલી કરવાની હઠ પકડીને બેઠા હોય તેમ લાગી રહ્યું છે..હવે આ ગઠિયાઓ સરકારની યોજનાનો લાભ મેળવવાની લાલચ આપીને લોકો પાસે છેતરપિંડી કરવા લાગ્યા છે..અમદાવાદ સાયબર ક્રાઇમના ધ્યાનમાં આવ્યું છે કે તાજેતરમાં દિવાળી બોનસ આપવાના નામે લોકોને મેસેજ આવી રહ્યાં છે અને એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવીને લોકોના બેંક એકાઉન્ટ સાફ કરવામાં આવી રહ્યાં છે.
સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે આવા ગઠિયાઓ દિવાળી પેટે સરકારી દ્વારા આપવામાં આવતા બોનસના નામે એક લીંક મોકલવામાં આવે છે..જે લીંક ઓપન કર્યા બાદ સૌ પ્રથમ તો તે અલગ અલગ ગ્રુપમાં શેર થાય છે. ત્યારબાદ આ યોજનનો લાભ મેળવવા માટે એક ફોર્મ ભરાવવામાં આવે છે અને એપીકે ફાઇલ મોકલીને સાયબર ગઠિયાઓ ભોગ બનનાર મોબાઇલનું એક્સેસ મેળવી લે છે અને તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપીયાની ઉઠાંતરી કરે છે.
સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આવી કોઇપણ યોજનાના લાભ મેળવવા માટેના મેસેજ કરવામાં આવતા નથી..જો તમે આવી કોઇ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો જે તે વિભાગની ઓફિસ જઇને પૂછપરછ કર્યા બાદ આગળની પ્રક્રિયા કરવી જોઇએ. અને જો ઓનલાઇન પ્રક્રિયા કરવાની હોય તો વિશ્વસનીય સાઇટ અથવા તો એપ્લીકેશનનો ઉપયોગ કરવો જોઇએ. લાલચમાં આવીને કોઇપણ ફાઇલ કે લીંક પર ક્લીક કરવું જોઇએ નહીં.
સાયબર ગઠિયાઓએ ના માત્ર એક બે ભાષા પરંતુ અનેક ભાષામાં લોકોને મેસેજ મોકલીને છેતરપિંડી આચરતા હોવાની સાયબર ક્રાઇમને શંકા છે..હાલતો આ ગઠિયાઓની ચાલનો કોઇ શિકાર ના બને તે હેતુથી સાયબર ક્રાઇમબ્રાન્ચ દ્વારા લોકોને જરૂરી સુચનોને અનુસરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. સાથે સાથે સોશિયલ મીડિયા મારફતે પણ આ ગઠિયાઓની જાળમાં ના ફસાવો તેના માટે શું સાવચેતી રાખવી તેના સુચનો કરવામાં આવી રહ્યા છે.