Aditya Gadhvi Garba Controversy: અમદાવાદમાં જાણીતા કલાકાર આદિત્ય ગઢવીના 'રંગ મોરલા' ગરબામાં જે પણ લઘુમતી સમાજના હોય તેને બહાર નીકળી જવા સ્ટેજ પરથી RJ આકાશ દ્વારા જાહેરાત કરાઈ હતી, જેને લઈને વિવાદ સર્જાયો હતો. તાજેતરમાં બજરંગદળ અને હિન્દુવાદી સંગઠનો દ્વારા ગરબા પંડાલમાંથી વિધર્મીઓને બહાર નીકળી જવા માટે અપીલ કરવામાં આવી હતી. સ્ટેજ પરથી થયેલી આ અપીલ બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. આ વિવાદ વચ્ચે લોકગાયક આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને આ નિવેદનથી અંતર જાળવ્યું હતું અને લખ્યું હતું કે, "મારા ગરબાના કાર્યક્રમમાં દરેક ધર્મના વ્યક્તિ આવી શકે છે." લોકગાયકની આ પોસ્ટ બાદ હવે વિવાદે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
રંગ મોરલા' ગરબામાં લઘુમતી સમાજ વિશે આપેલા નિવેદન બાદ આદિત્ય ગઢવીની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ કાજલ હિન્દુસ્થાની વચ્ચે પડ્યા છે, તેમણે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જગદંબાના ભજન ગાઈ શક્તિ અને માતાજીની ઉપાસના કરનારને મહિષાસુરથી ડર કેમ લાગે છે? આદિત્ય ગઢવી હિન્દુ સોસાયટીની સુરક્ષાના ફ્રન્ટ લાઈન વિરોધમાં આવીને ઊભા રહી ગયા છે. તેમણે ઉમેર્યું કે જો મુસલમાનો પ્રત્યે આટલો જ પ્રેમ હોય તો ઘરે બોલાવીને ડાંડિયા રમાડો, માતાજીના ભજન બંધ કરીને કવાલીઓ કરવાનું શરૂ કરી દો. હિન્દુઓ પાસેથી પૈસા લઈને આ પ્રકારનો એજન્ડા ન ચલાવવો જોઈએ.
કાજલ હિન્દુસ્થાનીએ વધુમાં સંગીતકાર હાર્દિક દવે સામે પણ સવાલો ઉભા કર્યા છે. હાર્દિક દવે દ્વારા નાઝી અને યહૂદીઓના આપેલા ઉદાહરણો સામે વળતો પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, "જર્મનીની વાત છોડો અને કાશ્મીરી હિન્દુઓ પર થયેલા અત્યાચારો, પહલગામમાં ધર્મ પૂછીને કરાયેલી હિન્દુઓની હત્યાઓ, સંદેશખલી-મુર્શિદાબાદની ઘટનાઓ તથા પાકિસ્તાન-બાંગ્લાદેશમાં પ્રતાડિત હિન્દુઓના ઉદાહરણો કેમ યાદ નથી આવતા? જ્યારે અમારી બહેન-દીકરીઓને બચાવવાની વાત આવે છે ત્યારે કોઈ આગળ નથી આવતું."
બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળ સનાતન ધર્મ અને ગરબાની પવિત્રતા જાળવવાના મુદ્દે અડીખમ ઊભા રહ્યા છે. કર્ણાવતીના ગરબા પંડાલમાં સનાતન ધર્મના રક્ષણ માટે VHPના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાઉન્ડમાંથી વિધર્મીઓને સ્વેચ્છાએ બહાર જવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી પવિત્ર તહેવાર માત્ર હિન્દુ સમાજના લોકો સાથે મળીને હર્ષોલ્લાસથી ઉજવી શકે. રંગ મોરલા તરફથી આપેલી સૂચના મુજબ તહેવારની પવિત્રતા જાળવવાની ખાસ અપીલ કરવામાં આવી છે.
ગરબા ગ્રાઉન્ડમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સંસ્થા દ્વારા વિશિષ્ટ સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. સનાતનીઓની સુરક્ષા અને મદદ માટે ખાસ હેલ્પલાઈન નંબર 8735873595 જાહેર કરવામાં આવ્યો છે. ગરબા રમવા આવનાર ખેલૈયાઓને આજુબાજુ ધ્યાન રાખવા અને કોઈ અનિચ્છનીય કે શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક ગ્રાઉન્ડ છોડાવવા અથવા હેલ્પલાઈન પર સંપર્ક કરવા જણાવાયું છે.