અમદાવાદની એક શાંત રહેણાંક સોસાયટી...જ્યાં બહારથી બધું જ સામાન્ય લાગતું હતું, પરંતુ એક મકાનના ભોંયરામાં ધમધમતી હતી 'મોતની મિની ફેક્ટરી'! યુવાધનને નશાના ખપ્પરમાં હોમીને બરબાદ કરવાના સૌથી ખૌફનાક કાવતરાનો NCB અને સરખેજ પોલીસે પર્દાફાશ કર્યો છે...કેવી રીતે ભોંયરામાં ચાલતો હતો આ નશાનો કાળો કારોબાર? જુઓ 'સાવધાન ગુજરાત'નો આ વિશેષ અહેવાલ...
અમદાવાદના ફતેવાડી વિસ્તારની લબ્બેક પાર્ક સોસાયટી... રહેણાંક વિસ્તારની વચ્ચોવચ આવેલા L-2/13 નંબરના મકાનમાં જ્યારે NCB ગુજરાત અને સરખેજ પોલીસની ટીમે અચાનક દરોડો પાડ્યો, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા...મકાનની નીચે ગુપ્ત રીતે ભોંયરું બનાવવામાં આવ્યું હતું અને ત્યાં સિન્થેટિક એમ.ડી. ડ્રગ્સ બનાવવાની આખી મિની લેબ ધમધમી રહી હતી...પોલીસના હાથે ઝડપાયેલો મુખ્ય આરોપી મુદસર પઠાણ છેલ્લા 6 વર્ષથી ખુદ ડ્રગ્સનો બંધાણી હતો...શરૂઆતમાં છૂટક વેચાણ કર્યા બાદ તેણે જાતે જ ડ્રગ્સ બનાવવાનું નક્કી કર્યું...આ માટે તે રાજસ્થાનથી ખાસ ટ્રેનિંગ લઈને આવ્યો હતો અને વધુ ઘાતક ડ્રગ્સ બનાવવા માટે 'ગૂગલ'ની મદદથી કેમિકલ ફોર્મ્યુલા અજમાવતો હતો...
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુદસર પઠાણ ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટીરિયલ ગુજરાતના અંકલેશ્વર, અમદાવાદ અને મધ્યપ્રદેશના રતલામથી મંગાવતો હતો...પોલીસે ભોંયરામાંથી બ્રોમીન સહિતના 20 જેટલા અત્યંત જોખમી કેમિકલ્સ જપ્ત કર્યા છે, જેમાંથી મોટી માત્રામાં એમ.ડી. ડ્રગ્સ તૈયાર થઈ શકે તેમ હતું... ઘટનાની ગંભીરતાને જોતા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે NFSU ની ખાસ ટીમને સ્થળ પર બોલાવીને તમામ કેમિકલ્સના સેમ્પલ લેવામાં આવ્યા છે...સદનસીબે આરોપી હજુ પ્રયોગોના તબક્કામાં જ હતો અને મોટા પાયે ડ્રગ્સ બજારમાં ઠાલવે તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી.
પોલીસ ચોપડે મુદસર પઠાણની કુંડળી તપાસતા સામે આવ્યું કે તે રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ રીક્ષા સળગાવવા સહિતના 4 ગંભીર ગુના નોંધાયેલા છે.
હાલ NCB એ ગુનો નોંધીને આરોપીની પત્નીની આ કાવતરામાં કોઈ સંડોવણી છે કે કેમ અને તેને આર્થિક મદદ કોણ કરતું હતું તે દિશામાં તપાસ તેજ કરી છે...રહેણાંક સોસાયટીઓની વચ્ચે ભોંયરા બનાવીને યુવાધનની જિંદગી સાથે રમત રમનારા નશાના આ સોદાગરો સામે હવે પોલીસ અને એજન્સીઓએ લાલ આંખ કરી છે...
આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા જ એટલે કે 9 નવેમ્બરે અમદાવાદના વાડજ ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 31 ડિસેમ્બર 2029 સુધીમાં ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો હતો...
ગુજરાતના યુવાધનને નશાના ખપ્પરમાં હોમીને પોતાની તિજોરીઓ ભરવાના સપના જોનારા ડ્રગ્સ માફિયાઓ માટે આ કાર્યવાહી એક મોટો સંદેશ છે...ભોંયરામાં બેસીને મોતનો સામાન તૈયાર કરતો આરોપી બજારમાં ઝેર ફેલાવે તે પહેલા જ NCB અને અમદાવાદ પોલીસે તેના મન્સૂબા પર પાણી ફેરવી દઈને તેને ધૂળ ચટાડી દીધી છે... શહેરની શાંતિ ડહોળનારા અને નવી પેઢીને બરબાદ કરનારા નશાના સોદાગરો ભલે ગમે તેટલા ઊંડા ભોંયરામાં છુપાય, કાયદાના લાંબા હાથ તેમને શોધીને જેલના સળિયા પાછળ ધકેલી જ દેશે.