Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો વધુ એક વિવાદ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના વિદેશ પ્રવાસ ખર્ચને લઈને નવો નાણાકીય વિવાદ સામે આવ્યો છે. શિક્ષણ વિભાગની સ્પષ્ટ મનાઈ હોવા છતાં, તેમના જૂન 2026ના અમેરિકા (ટેક્સાસ) પ્રવાસ માટે 5,88,769નો ખર્ચ પાસ કરાવવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
6 એપ્રિલના મંજૂરીપત્રમાં સરકાર કે યુનિવર્સિટી પ્રવાસ ખર્ચ નહીં ઉઠાવે તેવી શરત હતી. તેમ છતાં GUPIER મારફતે એડવાન્સમાં ટ્રાવેલ્સ કંપનીને રૂપિયા ચૂકવાયાનો દાવો થઈ રહ્યો છે. ખર્ચ મંજૂરીના દસ્તાવેજો પર નીરજા ગુપ્તા અને ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલની સહી પણ છે. પિયુષ પટેલ અગાઉ 32 કરોડના બાંધકામ કામોના વિવાદમાં પણ ઘેરાયા હતા.
શિક્ષણ વિભાગની સ્પષ્ટ શરતનો અનાદર
નીરજા ગુપ્તાએ જૂન 2026માં 6 દિવસ માટે અમેરિકાના ટેક્સાસ જવા અંગે શિક્ષણ વિભાગ પાસે મંજૂરી માંગી હતી. શિક્ષણ વિભાગના ઉપસચિવ આશિષ ચૌધરીએ 6 એપ્રિલ 2026ના રોજ પત્ર લખીને આ પ્રવાસ માટે મંજૂરી આપી હતી. પરંતુ, આ મંજૂરીપત્રમાં એક સ્પષ્ટ શરત મૂકવામાં આવી હતી કે એર ટિકિટ કે પ્રવાસનો અન્ય કોઈ પણ ખર્ચ સરકાર અથવા ગુજરાત યુનિવર્સિટી ભોગવશે નહીં. આ આદેશ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલના નામે મોકલવામાં આવ્યો હતો.
સેક્શન 8 કંપની GUPIER મારફતે નાણાં ટ્રાન્સફર કરાયા
સરકારી નિયમનો સીધો ઉલાળીયો કરીને ગુજરાત યુનિવર્સિટીથી અલગ એકાઉન્ટ ધરાવતી સેક્શન 8 કંપની 'GUPIER'નો ઉપયોગ કરીને આ ખર્ચ પાસ કરાવવામાં આવ્યો હોવાનો દાવો કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સત્તાનો દુરુપયોગ કરીને 5.88 લાખથી વધુની રકમ એડવાન્સમાં સીધી ટ્રાવેલ્સ કંપનીના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવી હોવાના પુરાવા પણ સામે આવ્યા છે. નીરજા ગુપ્તાના પોતાના માણસોના સુપરવિઝન હેઠળ જ આ સમગ્ર પ્રક્રિયા સરળતાથી પાર પાડી દેવામાં આવી હતી.
ખર્ચ મંજૂરીના દસ્તાવેજો પર નીરજા ગુપ્તા અને ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલની સહી
ખર્ચ મંજૂર કરવાના દસ્તાવેજો પર પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલ, સિનિયર VP અને ગ્રુપ CEOની સહીઓ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, શ્રીનિવાસ રાવ તાજેતરમાં જ 5 લાખના ગેરકાયદે પગાર કેસમાં સસ્પેન્ડ થયેલા છે, જ્યારે ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલ અગાઉ 32 કરોડના બાંધકામ કામો બારોબાર આપવાના કૌભાંડમાં પણ ઘેરાયેલા છે.