Gir Somnath Accident: આજનો દિવસ ગુજરાત માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે. એક પછી એક અકસ્માતો સામે આવી રહ્યા છે. અમદાવાદ વડોદરા હાઈવે પર સર્જાયેલા અકસ્માત બાદ ગીર સોમનાથના બેડીયા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક એક કરુણ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં એક પુરપાટ ઝડપે આવી રહેલી ગુજરાત એસ.ટી. બસ અને એક ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ટ્રક ચાલક સહિત 2 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે અરેરાટી વ્યાપી ગઈ હતી અને બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
ટ્રકચાલક અને શ્રમિકનું મોત થતાં પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ
ગીર સોમનાથના બેડીયા ગામ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રકચાલક સહિત કુલ બે લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં ટ્રકચાલક રાજુ સામત રાઠોડ અને ટ્રકમાં સવાર શ્રમિક રવિ જીવા પરમાર ભોગ બન્યા છે. બંન્ને લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજતાં તેમના પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
બસ ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 16 મુસાફરોને ઈજાગ્રસ્ત બન્યા
આ ધડાકાભેર થયેલી અથડામણમાં એસ.ટી. બસના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે બસમાં સવાર અન્ય મુસાફરો મળી કુલ 16 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની માહિતી મળતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બસ ડ્રાઈવરને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
આ અકસ્માત બાદ હાઈ-વે પર ચક્કાજામ
આ ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ એસ.ટી. વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.