ઉદય રંજન, અમદાવાદઃ પૈસાની અંધધૂંધ લાલચ અને રાતોરાત અમીર બની જવાની ભૂખ માણસને કઈ હદ સુધી હેવાન બનાવી શકે છે, તેનો રૂંવાડા ઉભા કરી દેતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો...ફૂટપાથ પર સૂતેલા ગરીબ શ્રમજીવી પરિવારનું માત્ર 37 દિવસનું માસૂમ બાળક ચોરાઈ જાય છે...આખું પોલીસ તંત્ર દોડતું થાય છે અને નાકાબંધી બાદ બાળક હેમખેમ મળી તો જાય છે...પણ જે આંતરરાજ્ય બાળ તસ્કરીનો ખેલ ચાલી રહ્યો હતો, તેનો ખુલાસો ક્રાઈમ બ્રાન્ચે કર્યો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ...
37 દિવસનું બાળક...20 લાખનો સોદો!
આ સનસનીખેજ કહાની શરૂ થાય છે ગત ૨ ઓક્ટોબરના રોજ મધરાતે બે વાગ્યે, જ્યારે અમદાવાદના ન્યૂ રાણીપના અહુલવાડિયા તળાવ પાસે ફૂટપાથ પર એક શ્રમજીવી દંપતી ઘસઘસાટ સૂઈ રહ્યું હતું ત્યારે જ કાળી રાતના અંધારામાં એક એક્ટિવા સવાર યુવતી ત્રાટકે છે અને તેમના માત્ર 37 દિવસના કાળજાના ટુકડાને ચોરીને રફુચક્કર થઈ જાય છે...સવારે 3:15 વાગ્યે આંખ ખુલતા જ બાળક ગાયબ જોઈ માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ...
મામલો પહોંચે છે પોલીસ સ્ટેશને...સાબરમતી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની 6 ટીમો સહિત 100થી વધુ જવાનોએ રાતોરાત આખા શહેરના બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર નાકાબંધી કરી દીધી...પોલીસના આ જ પ્રચંડ ડરના કારણે આરોપીઓ બાળકને યુપી ભાગી ન શક્યા અને પકડાઈ જવાના ડરે ત્રણ ઓક્ટોબરે સાંજે ચાર વાગ્યે માસૂમને તળાવ પાસે લાવારિસ છોડીને ભાગી ગયા...
બાળક તો હેમખેમ મળી ગયું, પણ આ માસ્ટરમાઇન્ડ ચોર કોણ હતું? પોલીસે જ્યારે શહેરના 1300થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા...ત્યારે એક્ટિવા પર આવેલી 21 વર્ષની જીનલ પરમાર કેદ થઈ ગઈ...જીનલની ધરપકડ બાદ જે ખુલાસો થયો તે વધુ ચોંકાવનારો હતો.
આ ગેંગ રાણીપ પહેલાં સોલા સિવિલ હોસ્પિટલમાં બાળક ચોરવા ગઈ હતી, પરંતુ ત્યાં બાળકી હોવાથી તેનો સોદો ન થઈ શકે તેમ નહોતો...જેથી તેમણે ચોરી કરવાનું માંડી વાળ્યું હતું...પોલીસ તપાસમાં ખૂલ્યું કે જીનલ અને તેની સાથેના સગીરો અગાઉ નોઈડામાં ઝેપ્ટો કંપનીમાં કામ કરતા હતા, જ્યાં તેમની મુલાકાત 23 વર્ષના ભુવનેશ સાથે થઈ હતી...ભુવનેશે જ જીનલને એક મહિનાનું બાળક લાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાંથી જીનલ અને તેના સાથીદારોને 2-2 લાખ રૂપિયા મળવાના હતા...
આ બાળ તસ્કરીના તાર છેક નોઈડા અને યુપી સુધી જોડાયેલા છે...ભુવનેશ આ બાળકને આગળ એક દલાલ મારફતે યુપીના એક નિઃસંતાન દંપતીને 20 લાખમાં વેચવાનો હતો...પણ સૌથી મોટો સવાલ એ છે કે તસ્કરીના બજારમાં માત્ર એક મહિનાના બાળકની જ કેમ આટલી ડિમાન્ડ છે? ખુલાસો એવો થયો છે કે બાળક જો એક મહિનાનું હોય, તો નિઃસંતાન દંપતીઓ સમાજમાં તેને સરળતાથી પોતાનું જ જન્મેલું બાળક હોવાનું બતાવી શકે છે.
હાલ ક્રાઈમ બ્રાન્ચે યુપીથી ભુવનેશને પણ દબોચી લીધો છે અને બાળક ખરીદવા માટે એડવાન્સ પૈસા આપનાર દંપતી સામે પણ ગાળિયો કસ્યો છે...
અમદાવાદ પોલીસની સતર્કતાથી એક ગરીબ મા-બાપની કૂખ ઉજ્જડ થતાં બચી ગઈ અને માસૂમ દીકરો પાછો મળી ગયો...પરંતુ આ ઘટનાએ હોસ્પિટલો અને ફૂટપાથ પર સૂતા ગરીબોની સુરક્ષા સામે બહુ મોટા સવાલ ઊભો કર્યા છે..