જિગાના પિસ્તોલ, સગીર, મારો અને ભાગી જાઓ...ટાયગર શ્રોફ કેસમાં થઈ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા
Tiger Shroff News: બોલીવુડ અભિનેતા અને જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફ પર મુંબઈમાં રવિવારે થયેલા ફાયરિંગની ઘટનાએ માત્ર બોલીવુડને જ નહીં પરંતુ આખા દેશને હચમચાવી દીધો છે. કારણ કે બિશ્નોઈ ગેંગ જે રીતે સલમાન ખાન અને તેમની નજીકની હસ્તીની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે તેણે ચિંતા ઉપજાવી છે. બાબા સિદ્દીકીએ તો જીવ પણ ગુમાવ્યો. હવે આ મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસાઓએ હડકંપ મચાવ્યો છે.
અભિનેતા ટાઈગર શ્રોફ પર રવિવારે સાંજે 7 વાગે ફાયરિંગની ઘટના ઘટી હતી. જેમાં અભિનેતાના ડ્રાઈવરને ગોળી વાગી જો કે તે હાલ આઉટ ઓફ ડેન્જર છે. જ્યારે ટાઈગર શ્રફને કાંચના ટુકડાં વાગ્યા અને ગનપાઉડરની હાથ દાઝવાના નિશાન પણ જોવા મળ્યા છે. પોલીસના જણાવ્યાં મુજબ આ હુમલા પહેલા રેકી કરવામાં આવી હતી. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ હુમલાખોરો પુષ્પા પાર્ક પાસે લગભગ પોણો કલાક જેટલું રાહ જોઈને બેઠા હતા. ટાઈગર જેવો બહાર નીકળીને કારમાં બેઠો કે તેના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. વીડિયોમાં બાઈક પર 3 લોકો આવતા જોવા મળ્યા હતા. જેમાંથી એક બાઈક ચલાવતો હતો. જ્યારે બે લોકોએ નીચે ઉતરીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ ત્રણેય ફરાર થઈ ગયા હતા. હવે આ મામલે કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી છે.
જિગાના પિસ્તોલ
તપાસ કરી રહેલી પોલીસને એવી એવી આશંકા છે કે હુમલાખોરોમાંથી કોઈ એકની પાસે તુર્કી બનાવટની જિગાના (Zigana) પિસ્તોલ હતી. જો કે આ હથિયાર હજુ મળ્યું નથી. હુમલાખોરોએ 7.62 એમએમના કારતૂસોથી લગભગ સાત રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. ઘટનાસ્થળેથી પાંચ ખાલી કારતૂસો મળ્યા જ્યારે બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે એક હથિયાર ખરાબ થઈ જતા આખું કારતૂસ બહાર કાઢવામાં આવ્યું હશે. ઘટનાસ્થળેથી મળેલા બે આખા કારતૂસ આ આશંકાને પ્રબળ કરે છે. જો કે પુષ્ટિ હજુ થઈ નથી. તપાસ બાદ ખબર પડશે.
ટાઇગર શ્રોફ પર ફાયરિંગ એ માત્ર એક ટ્રેલર હતું: અસલી ટાર્ગેટ તો સલમાન ખાન જ છે, લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકીથી બોલિવૂડમાં હડકંપ
જવાબદારી અનિલ પંડિતે લીધી
ટાઈગર શ્રોફ પર હુમલાની જવાબદારી અમેરિકામાં રહીને ગેંગ ઓપરેટ કરતા અનિલ પંડિતે લીધી છે. તેનો 19 ઓક્ટોબરે એક ઓડિયો ક્લિપ પણ સામે આવી જેમાં એક વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય જણાવીને હુમલાની જવાબદારી લીધી હોવાનું કહે છે. ફેસબુક પોસ્ટની જેમ વાયરલ ઓડિયોમાં પણ અનિલ પંડિતે સલમાન ખાન સાથે સંબંધ ધરાવતા લોકોને ધમકી આપી છે. જો કે આ ઘટના બાદ પોલીસે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી છે અને હુમલાખોરો પર શિકંજો કસાયો છે. રાજસ્થાન પોલીસે કોટા રેલવે સ્ટેશનથી 3 સંદિગ્ધોને પણ પકડ્યા છે. જેમાથી એક સગીર છે.
પોલીસનો દાવો 3 લોકોને પકડ્યા
- રાજસ્થાનની કોટા પોલીસે જે લોકોને પકડ્યા તેમના વિશે એવું દાવા સાથે કહે છે કે ટાઈગર શ્રોફ પર હુમલામાં તેઓ સામેલ હતા. કોટાના એસપી તેજસ્વિની ગૌતમે કહ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય અનિલ પંડિતે સોશિયલ મીડિયા દ્વારા આ લાકોને ટાઈગર શ્રોફને મારવાનું કામ સોંપ્યું હતું. અભિનેતા પર જીવલેણ હુમલા બાદ બધા ભાગીને કોટા પહોંચ્યા હતા. 3 આરોપી પુના-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસથી જયપુર બાજુ જઈ રહ્યા હતા. ત્યારબાદ નેપાળ ભાગવાનો પ્લાન હતો.
- એસપી તેજસ્વી ગૌતમ જણાવ્યું કે ત્રણમાંથી બે આરોપીઓ હરિયાણાના છે. જ્યારે ત્રીજો આરોપી બિહારથી છે અને તે મુંબઈમાં રેપિડો ચલાવે છે.
- મુંબઈ પોલીસે તરફથી જ્યારે સૂચના મળી ત્યારબાદ 15 મિનિટમાં જ આ લોકોને દબોચી લેવામાં આવ્યા હતા.
- એસપી તેજસ્વિની ગૌતમના આ દાવાને મળેલા વીડિયો ફૂટેજ સાથે સરખાવીએ તો ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયેલા લોકોની ઉંમર શંકાસ્પદો સાથે મળી રહી છે.
ટાઇગર શ્રોફ પર ફાયરિંગ પહેલાં શું કરતા હતા અભિનેતા? ઘટનાની થોડી મિનિટો પહેલાનો વીડિયો આવ્યો સામે
જેલમાં બંધ છે લોરેન્સ, છતાં ઓપરેટ કરે છે ગેંગ?
- તમને જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈ એક દાયકાથી ભારતની અલગ અલગ જેલોમાં બંધ છે. હાલ સાબરમતી જેલમાં છે. આમ છતાં તે પોતાની ગેંગ ઓપરેટ કરે છે.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ જેલમાં રહેવા છતાં તે પોતાના સાથીઓનો સંપર્ક સાધવા માટે VPN અને VoIP ટેક્નોલોજીનો ઉપયોગ કરી સંપર્કમાં રહે છે.
- આટેક્નોલોજીમાં કોલ કરવા માટે મોબાઈલ નેટવર્કની જરૂર નથી હોતી અને કોલ ટ્રેસ પણ થઈ શકતા નથી.
- આ ઉપરાંત તે જેલમાં મળવા આવેલા પોતાના લોકો કે કેટલાક ભ્રષ્ટ પોલીસવાળાની મદદથી પોતાના સંદેશા સાથીઓ સુધી પહોંચાડે છે.
- લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં હાલ જે ગેંગસ્ટરો સામેલ છે તેમાં સંદીપ ઉર્ફે કાલા જઠેડી, અનિલ છિપ્પી, રાજુ બસૌદી જેનાના નામ સામે આવે છે. વિદેશમાં રહીને કામ પાર પાડતા લોકોમાં ગોલ્ડી બરાર, લિપિન નેહરા અને રોહિત ગોદારા પણ આ ગેંગના સભ્યો હોવાનું કહેવાય છે.
બિશ્નોઈ ગેંગ કઈ રીતે કરે છે કામ?
- લોરેન્સ બિશ્નોઈ ગેંગ કઈ રીતે કામ કરે છે તે અંગે હરિયાણા પોલીસની એસટીએફ ટીમે વર્ષ 2024માં એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
- ગુડગાંવ યુનિટ ઈનચાર્જ ઈન્સ્પેક્ટર નરેન્દ્ર ચૌહાણે કહ્યું હતું કે, આ ગેંગમાં સોશિયલ મીડિયા દ્વારા ભરતી થાય છે.
- સોશિયલ મીડિયા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર લોરેન્સ અને તે સંલગ્ન ગેંગના મહત્વના સભ્યોના નામથી પેજ, ગ્રુપ અને પ્રોફાઈલ બનેલા છે. પોસ્ટ પર લાઈક કરનારા યુવકોને ગેંગના લોકો સંપર્ક કરીને ટાર્ગેટ આપે છે.
- આ કામ કેનેડામાં બેઠેલો ગેંગસ્ટર રોહિત ગોદારા સંભાળે છે.
- ગુડગાંવ એસટીએફના જણાવ્યાં મુજબ સગીરો અને ગરીબ પરિવારમાં આવતા યુવાઓને પ્રાથમિકતા અપાય છે.
- ઘટના પહેલા હથિયારો અને ગોળીઓ શુટર્સ સુધી પહોંચાડી દેવાય છે. ઘટના બાદ હથિયાર પાછા પણ લઈ લેવાય છે.
- આ જ કારણ છે કે એસટીએફ ગુડગાંવને અનેક ઘટનાઓમાં આરોપીઓ તો પકડાયા પરંતુ હથિયારો મળ્યા નહી.
સગીરોને કેમ બનાવે છે ટાર્ગેટ?
- 2022માં જ્યારે સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા થઈ ત્યારે પંજાબ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર સકંજો કસ્યો હતો અને આ ગેંગનો શૂટર અભિષેક કોલી પકડાયો હતો.
- કોલીએ જે કહ્યું તે ચોંકાવનારું હતું કારણ કે તેની ઉંમર ફક્ત 19 વર્ષની હતી. આવી કાચી વયે તે ગેંગમાં સામેલ થયો હતો.
- તેણે તે વખતે જણાવ્યું હતું કે ગેંગમાં લગભગ 200 યુવા શૂટર્સ સામેલ છે.
- અલગ અલગ રાજ્યોની પોલીસ તપાસ અને મીડિયા રિપોર્ટ્સ મુજબ લોરેન્સ ગેંગમાં સગીરો પર વધુ ભાર મૂકાય છે.
- સગીરોની પસંદગી પાછળ કારણ એ હોઈ શકે કે નાના મોટા વયસ્ક અપરાધીઓની બધી માહિતી પોલીસ પાસે હોય છે જ્યારે સગીર ગુનેહગારોનો ડેટા જુવેનાઈલ પાસે હોય છે.
- સોશિયલ મીડિયા પર આવી ગેંગ યુવાઓને ઝાકમઝોળ બતાવીને આકર્ષી લે છે અને પછી તેમને ગુના માટે શૂટરો મળી જાય છે.
દિન પ્રતિદિન વધતો ખૌફ
- ટાઈગર શ્રોફ પર હુમલાની ઘટનાએ હડકંપ મચાવી દીધો છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ હવે જાણે દહેશતનું બીજું નામ બની ચૂક્યો છે.
- હાઈ પ્રોફાઈલ લોકોને ધમકાવવા, ખંડણી માંગવી અને હત્યાના પ્રયત્નો કરવા એ જાણે તેમના કામ બની ચૂક્યા છે.
- જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ધોળે દિવસે હત્યા થઈ તેમાં આ ગેંગનો હાથ હતો.
- મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને સલમાન ખાનના ખાસ મિત્ર બાબા સિદ્દીકીની હત્યામાં પણ આ ગેંગના સભ્યોનો હાથ હોવાનું કહેવાય છે.
- સલમાન ખાનને અને તેમના નજીકના લોકોને અવાર નવાર ધમકીઓ મળતી રહે છે જે પોલીસ માટે મોટો પડકાર બની રહ્યો છે.
- દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રેશ રાજસ્થાનમાં આ ગેંગનો ખુબ આતંક જોવા મળ્યો છે.
- એવું પણ કહેવાય છે કે ભારતમાં આ ગેંગના 700 જેટલા શૂટરો છે.
- લોરેન્સ પોતે જેલમાં કેદ છે પરંતુ આમ છતાં વિદેશમાં બેઠેલા તેના પીઠ્ઠુંઓ દ્વારા ગેંગ ઓપરેટ કરીને આવા કામોને અંજામ અપાવે છે.