ઉદય રંજન, અમદાવાદ : ગુજરાતમાં વિદેશી મૂળના સોનાની તસ્કરી કરતા સિન્ડિકેટનો DRI દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત એરપોર્ટ મારફતે ચાલતા સોનાની તસ્કરીના નેટવર્ક સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં અંદાજે ₹19.41 કરોડના વિદેશી મૂળના સોનાના વ્યવહારોનો ખુલાસો થયો છે. આ કેસમાં કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
DRIની તપાસમાં આશરે 13.017 કિલો વિદેશી મૂળના સોના સાથે સંકળાયેલી ગતિવિધિઓ સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ નેટવર્ક દુબઈ સ્થિત એક ફાયનાન્સરના સહયોગથી ચાલતું હોવાની વિગતો બહાર આવી છે. જોકે, સમગ્ર નેટવર્કની કામગીરી અને તેમાં સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે.
તપાસ દરમિયાન સોનાની હેરાફેરી માટે અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે. તસ્કરીમાં સંડોવાયેલા લોકો ટ્રોલી બેગના લાઇનિંગમાં તેમજ ગોલ્ડ પેસ્ટના સ્વરૂપમાં સોનું છુપાવીને લાવતા હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત, વડોદરામાં ગેરકાયદે રીતે સોનું ઓગાળવા માટેના યુનિટનો ઉપયોગ થતો હોવાની પણ માહિતી મળી છે.
DRIની ટીમે દરોડા દરમિયાન આશરે 890 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. સાથે જ, 6.41 કિલો ઓગાળેલા સોના સાથે સંબંધિત પુરાવા પણ મળી આવ્યા છે. અમદાવાદની એક જ્વેલરી શોપમાંથી વિદેશી સોનાના બિસ્કિટ અને આશરે 5.8 કિલો સોનાના વ્યવહારોને લગતા રેકોર્ડ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ જ્વેલરી શોપમાં રોકડના બદલામાં સોનું વેચવામાં આવતું હોવાનો પણ આક્ષેપ છે.
ગત 16 ઓક્ટોબરથી શરૂ થયેલી આ કાર્યવાહી આશરે 42 કલાક સુધી ચાલી હતી. DRIની તપાસમાં મુસાફરો, હેન્ડલર્સ, મધ્યસ્થીઓ, સોનું ઓગાળનારાઓ અને જ્વેલરી વેપાર સાથે સંકળાયેલી વિવિધ કડીઓ સામે આવી છે. હાલ DRI દ્વારા જપ્ત કરાયેલા સોના, નાણાકીય વ્યવહારો અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.