Prema Rawat : ભારતીય ક્રિકેટમાં એક નવો વિશ્વ વિક્રમ બન્યો છે. ઉત્તરાખંડની લેગ-સ્પિનર પ્રેમા રાવતે મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. માત્ર 14 બોલમાં 50 રન પૂરા કરીને તેણે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 15 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
સોમવારે પુણેના ગહુન્જે સ્થિત MCA ક્રિકેટ સ્ટેડિયમમાં હૈદરાબાદ સામેની સીનિયર વિમેન્સ T20 ટ્રોફી મેચ દરમિયાન 24 વર્ષીય પ્રેમાએ ઈતિહાસ રચ્યો. તે 14 બોલમાં 50 રન બનાવીને અણનમ રહી આ એક ધમાકેદાર ઇનિંગ્સ હતી જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. પ્રેમાનો સ્ટ્રાઈક રેટ 357.14 હતો.
પ્રેમાની આક્રમક બેટિંગની મદદથી ઉત્તરાખંડે નિર્ધારિત 20 ઓવરમાં 187/2 રનનો સ્કોર બનાવ્યો. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં માત્ર 98/8 રન જ બનાવી શકી, જેના પરિણામે ઉત્તરાખંડે 89 રનથી વિજય મેળવ્યો. શાનદાર પ્રદર્શન બદલ પ્રેમાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.
આ પહેલા મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાના નામે હતો. મે 2026માં કરાચી ખાતે, તેણે ઝિમ્બાબ્વે સામે માત્ર 15 બોલમાં 50 રન બનાવ્યા હતા. તે ઇનિંગ્સ સાથે તેણે 18 બોલમાં 50 રન બનાવવાનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. જે રેકોર્ડ સંયુક્ત રીતે ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈન, ઓસ્ટ્રેલિયાની ફોબી લિચફિલ્ડ અને ભારતની રિચા ઘોષના નામે હતો.
ફાતિમાએ મેરી કેલી અને લૌરા હેરિસ દ્વારા સ્થાપિત રેકોર્ડની પણ બરાબરી કરી હતી, જેણે પણ 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. હવે માત્ર 14 બોલમાં 50 રન બનાવીને પ્રેમાએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રાઘવી બિષ્ટે પણ શાનદાર ઇનિંગ્સ રમી.
ઉત્તરાખંડ માટે રાઘવી બિષ્ટ અને કરીનાએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી નોંધાવી હતી. કરીના 19 રન બનાવીને આઉટ થઈ, જ્યારે રાઘવીએ 72 રનની શાનદાર ઇનિંગ રમી. ત્યારબાદ, રાઘવી અને નીલમ ભારદ્વાજે બીજી વિકેટ માટે 57 રન જોડ્યા. અંતમાં પ્રેમાની આક્રમક બેટિંગે ટીમને એક મજબૂત સ્કોર સુધી પહોંચાડી દીધી.
પ્રેમાએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ ઝડપી. તેણે ગુગુલોથુ કાવ્યશ્રી અને નાલ્લા ક્રાંતિ રેડ્ડીની વિકેટ લીધી.
પ્રેમા રાવત લેગ-સ્પિનર છે. તેને 2026 મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. તેણે શ્રેયંકા પાટિલનું સ્થાન લીધું છે, જે ઘૂંટીની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
આ પહેલાં તેણે મહિલા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ઈન્ડિયા A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 5 મેચોમાં 8 વિકેટ ઝડપી હતી અને ભારત આ ટુર્નામેન્ટનું વિજેતા બન્યું હતું. 2025માં ઈન્ડિયા Aના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ તેણે 3 T20 મેચોમાં 7 વિકેટ લીધી હતી.
પ્રેમાએ 2026માં ભારતીય સિનિયર ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું. અત્યાર સુધી તેણે 7 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 7 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન મહિલા એશિયા કપમાં પાકિસ્તાન સામે રહ્યું હતું, જ્યાં તેણે 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હવે માત્ર 14 બોલમાં 50 રન ફટકારીને તેણે સાબિત કરી દીધું છે કે તેની પ્રતિભા માત્ર બોલિંગ દ્વારા વિકેટ લેવા પૂરતી સીમિત નથી.