Mohit Ulva : અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે એક વિકેટથી જીત મેળવીને એક ઐતિહાસિક રન-ચેઝ પૂર્ણ કર્યો. 338 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે એક તબક્કે ભારતની 252 રનમાં 8 વિકેટ પડી ગઈ હતી. જીતની શક્યતા ખૂબ જ ઓછી જણાતી હતી, પરંતુ 10મા ક્રમે બેટિંગ કરવા આવેલા મોહિત ઉલ્વાએ બાજી પલટી નાખી. તેણે છેલ્લા બોલ પર બાઉન્ડ્રી મારીને ટીમને જીત અપાવી. આ પ્રદર્શન મોહિતના કરિયરમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો, કારણ કે હવે તેને સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન મળ્યું છે.
પાકિસ્તાન સામેના તેના શાનદાર પ્રદર્શન બાદ મોહિત ઉલ્વાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને ટૂંક સમયમાં ઈન્દોરમાં ટીમ સાથે જોડાવા માટે સૂચના આપવામાં આવી છે. અંડર-19 ટીમ માટેના તેના અસાધારણ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)એ તેને ચાલુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટુર્નામેન્ટમાં રમવાની તક આપવાનો નિર્ણય લીધો છે.
SCA પ્રમુખ જયદેવ શાહે આ નિર્ણય વિશે વાત કરતા મોહિત ઉલ્વાની રમવાની સ્ટાઈલ અને દબાણ હેઠળ તેણે દર્શાવેલી પરિપક્વતાના વખાણ કર્યા. ક્રિકબઝ સાથે વાત કરતા જયદેવે કહ્યું, મોહિતે ખૂબ જ હિંમત અને અદભૂત લડાયક મનોભાવ દર્શાવ્યો. SCAએ નિર્ણય લીધો છે કે તે અમારી SMAT ટીમનો ભાગ બનશે.
શાહે વધુમાં ઉમેર્યું, અમે તેને સીધા ઈન્દોર જઈને સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાવા માટે સૂચના આપી છે. તે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે, જે રાજકોટ નજીકના સુરેન્દ્રનગરના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. હાલમાં તે રાજકોટમાં રહે છે. અમે હંમેશા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ છીએ અને અમને લાગ્યું કે SMAT ટીમમાં જોડાઈને તે શાનદાર પ્રદર્શન કરી શકે છે.
અંડર-19 એશિયા કપની ફાઇનલમાં જ્યારે ટીમ ઇન્ડિયાએ 8 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે મોહિત ઉલ્વાએ નિડરતાથી બેટિંગ કરી. તેણે મનાલ ચૌહાણ સાથે મળીને 9મી વિકેટ માટે 57 રન જોડ્યા. મનાલ 47 રન બનાવીને આઉટ થયા પછી, ટીમ ઇન્ડિયાને જીતવા માટે 36 રનની જરૂર હતી અને માત્ર એક વિકેટ બાકી હતી. મોહિત ઉલ્વાને 11મા ક્રમે બેટિંગ કરવા આવેલા સી. વેંકટાનો સાથ મળ્યો. મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી, જેમાં ભારતને જીતવા માટે 8 રનની જરૂર હતી.
ટીમ ઇન્ડિયાએ હાર માની નહીં, છેલ્લો બોલ બાકી હતો ત્યારે તેમને જીતવા માટે 3 રનની જરૂર હતી. મોહિતે આગળ વધીને એક જોરદાર બાઉન્ડ્રી ફટકારી અને ટીમ ઇન્ડિયાને એક વિકેટથી જીત અપાવી. તેની અણનમ 49 રનની ઇનિંગે આ ઐતિહાસિક જીતનો માર્ગ મોકળો કર્યો અને તે ભારતની આ જીતનો હીરો બની ગયો.