ભારત અને વેસ્ટ ઈન્ડિઝ આજે હૈદરાબાદમાં આમને-સામને હશે. ચોથી ટી20 મેચ રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. ભારતની નજર જીત સાથે સિરીઝ કબજે કરવા પર છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ સરભર કરવાના ઈરાદાથી ઉતરશે. જ્યારે છેલ્લે આ મેદાન પર કોઈ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી, ત્યારે ટીમ ઈન્ડિયાએ 297 રન ફટકારી દીધા હતા.
IPL માં પણ આ મેદાન બેટરો માટે સ્વર્ગ રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 286 રન ફટકારી ચુકી છે. તેથી હૈદરાબાદના આ મેદાનને બેટરો માટે સ્વર્ગ કહેવામાં આવે છે. અહીં જાણો આજે મેદાન પર ક્યા 3 સૌથી મોટા રેકોર્ડ ધ્વસ્ત થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા પ્રથમવાર બનાવશે 300 રન
ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમનો સર્વોચ્ચ સ્કોર આ મેદાન પર આવ્યો હતો. વર્ષ 2024મા ટીમ ઈન્ડિયાએ અહીં બાંગ્લાદેશ વિરુદ્ધ 297 રન બનાવ્યા હતા. તે મેચમાં સંજૂ સેમસને 47 બોલમાં 111 રન ફટકાર્યા હતા. આશા છે કે ભારતીય બેટર ફરી અહીં તબાહી મચાવી શકે છે. અભિષેક શર્મા, ઈશાન કિશન અને કેપ્ટન અય્યર ફોર્મમાં છે, જેને જોતા લાગે છે કે ટીમ ઈન્ડિયા 300 રન બનાવી શકે છે.
એક હજારી ક્લબમાં સામેલ થશે અભિષેક
અભિષેક શર્મા એક કેલેન્ડર વર્ષમાં ટી20 આંતરરાષ્ટ્રીયમાં એક હજાર રન બનાવનાર બેટરમાં સામેલ થઈ શકે છે. આ કીર્તિમાન બનાવવા માટે તેણે આજે ચોથી ટી20 મેચમાં 79 રન બનાવવા પડશે. વર્ષ 2026મા અભિષેક અત્યાર સુધી 921 રન બનાવી ચુક્યો છે. તેની પહેલા ભારત માટે માત્ર સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.
એક વર્ષમાં સૌથી વધુ 50+ સ્કોર
અભિષેક શર્મા આજે એક મોટો કીર્તિમાન બનાવી શકે છે. T20I મા અભિષેકે આ વર્ષે 9 વખત કોઈ ઈનિંગમાં 50 કે તેનાથી વધુનો સ્કોર કર્યો છે. ભારત માટે એક વર્ષમાં સૌથી વધુ 50+ સ્કોર કરવાનો રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે છે, જેણે વર્ષ 2022મા 11 ઈનિંગમાં 50+ નો સ્કોર કર્યો હતો. જો અભિષેક શર્મા ચોથી ટી20 મેચમાં અડધી સદી ફટકારે છે તો તે 2026મા કુલ 10મી વખત 50+ રન બનાવશે. તે ભારતીયોમાં બીજા અને વિશ્વમાં ચોથા નંબરે આવી જશે.