Cristiano Ronaldo Retirement : પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે ગુરુવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. રોનાલ્ડોના નેતૃત્વમાં પોર્ટુગલે ત્રણ મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જીત નોંધાવી હતી, તેણે દેશને યુરો કપ જીતવામાં મદદ કરી, અને ત્યારબાદ 2018-19 તથા 2024-25માં નેશન્સ લીગના ખિતાબ અપાવ્યા. રોનાલ્ડો છ વર્લ્ડ કપમાં રમ્યો હતો, જેમાં તેણે કુલ 27 મેચ રમીને 11 ગોલ કર્યા હતા.
આ નિવૃત્તિ સાથે, પોર્ટુગલ માટે રોનાલ્ડોની 23 વર્ષ લાંબી કારકિર્દીનો અંત આવ્યો છે. 41 વર્ષીય રોનાલ્ડોએ પોતાના દેશ માટે 234 મેચ રમીને 146 ગોલ કર્યા છે. તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં અત્યાર સુધીનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે.
પોતાના સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં રોનાલ્ડોએ કહ્યું, પોર્ટુગલના લોકો માટે હવે એ સમય આવી ગયો છે કે હું આપણી નેશનલ ટીમની 7 નંબરની જર્સી પરત કરું. મને ક્યારેય એવું નથી લાગ્યું કે આ માત્ર મારી જર્સી છે, 23 વર્ષ સુધી મને તેને પહેરવાનું, તેનું સન્માન જાળવવાનું અને વિશ્વભરના સ્ટેડિયમોમાં તેને લઈ જવાનું સૌભાગ્ય મળ્યું. હવે, તેને ભવિષ્યની પેઢીને સોંપવાનો સમય આવી ગયો છે.
2003માં પોર્ટુગલ માટે પદાર્પણ કર્યા બાદ રોનાલ્ડોએ લાંબા સમય સુધી પોતાના દેશ માટે રમ્યો. તે આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીનો કટ્ટર પ્રતિસ્પર્ધી રહ્યો. સંજોગોવશાત્ વિશ્વના બંને મહાન ફૂટબોલરોએ એક જ વર્ષમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. મેસીએ ઓગસ્ટમાં નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો અને હવે રોનાલ્ડોએ પણ નિવૃત્તિ લીધી છે.
આ વર્ષના વર્લ્ડ કપમાં સ્પેન સામે હાર્યા બાદ તેની ટીમ રાઉન્ડ ઓફ 16માંથી બહાર થઈ ગઈ, જેનાથી ટાઈટલ જીતવાનું રોનાલ્ડોનું સ્વપ્ન અધૂરું રહી ગયું. તો મેસીએ 2022માં વર્લ્ડ કપ જીત્યો હતો, તો રોનાલ્ડો પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન ફૂટબોલની આ સૌથી મોટી ટ્રોફી જીતી શક્યો નહીં.