Cricket Rules : આજથી એટલે કે 1 ઓક્ટોબર 2026થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોમાં કુલ 73 ફેરફારો અમલમાં આવ્યા છે. જોકે કેટલાક ફેરફારો સામાન્ય છે, તેમ છતાં મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પણ દાખલ કરવામાં આવ્યા છે.
દિલ્હી ખાતે વર્કશોપનું આયોજન
આ અંગે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) દ્વારા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે 'MCC Laws of Cricket' પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિલ્હીના ડઝનબંધ અમ્પાયરો અને મેચ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત MCCએ હિન્દી સહિત અનેક ભાષાઓમાં પોતાની નવી એપ પણ લોન્ચ કરી છે.
MCC Laws of Cricket એપ લોન્ચ
આ વર્કશોપ દરમિયાન MCCમાં ક્રિકેટ વિભાગના વડા ફ્રેઝર સ્ટુઅર્ટ અને જોની સિંગરે ઉદાહરણો દ્વારા વિવિધ નિયમો સમજાવ્યા હતા. DDCAના અમ્પાયરો અને મેચ અધિકારીઓએ MCCના પ્રતિનિધિઓ સાથે સવાલ-જવાબના સેશનમાં પણ ભાગ લીધો હતો. હિન્દી ભાષીઓને ઘણીવાર ક્રિકેટના નિયમો સમજવામાં મુશ્કેલી પડતી હોવાથી, 'MCC Laws of Cricket' એપ લોન્ચ કરવામાં આવી છે, જેથી યુઝર્સ હિન્દીમાં નિયમોની બારીકાઈઓ સમજી શકે. અગાઉ આ એપ માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ હતી, પરંતુ હવે તેમાં હિન્દીની સાથે ઉર્દૂ, બંગાળી અને કન્નડ જેવી ભાષાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્રિકેટના નિયમોમાં થયેલા મુખ્ય ફેરફાર
મહિલા અને જુનિયર ક્રિકેટ માટે સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ : ક્રિકેટ બોલની સાઈઝ અને વજન માટે નવી વધુ ચોક્કસ મર્યાદાઓ તેમજ કેટેગરી 1, 2 અને 3 માટે સ્ટાન્ડર્ડ સાઈઝ નક્કી કરવામાં આવી છે.
લેમિનેટેડ 'ટાઈપ D' બેટ માટે મંજૂરી : સંબંધિત સંચાલક મંડળના નિયમોને આધીન, મોટાભાગની ઓપન-એજ ક્રિકેટ મેચોમાં 'ટાઈપ D' લેમિનેટેડ બેટના ઉપયોગની મંજૂરી આપવામાં આવશે.
દિવસની અંતિમ ઓવર પૂર્ણ કરવી : ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં જો વિકેટ પડે તો પણ દિવસની અંતિમ ઓવર પૂર્ણ કરવી આવશ્યક છે. જોકે, રમવા માટેની પરિસ્થિતિ અનુકૂળ હોવી જોઈએ.
રન લેવા અને બાઉન્ડ્રી પરના કેચ અંગે સ્પષ્ટ નિયમો : જ્યાં સુધી શોર્ટ રનિંગ ઈરાદાપૂર્વક ન કરવામાં આવી હોય ત્યાં સુધી બેટર દંડ વિના રન લેવાનું ટાળી શકે છે. બીજી તરફ, બાઉન્ડ્રી કેચ માટેની 'બની હોપ' ટેકનિક નાબૂદ કરવામાં આવી છે.
ઓવરથ્રો, ડેડ બોલ અને આઉટ થવાની વિવિધ રીતો અંગે વધુ સ્પષ્ટતા: ક્રિકેટના નિયમોમાં હવે સત્તાવાર રીતે 'ઓવરથ્રો'ની વ્યાખ્યા આપવામાં આવી છે અને બોલ ક્યારે 'સેટલ' ગણાય તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિકેટકીપરની સ્થિતિ, હિટ-વિકેટ, રન-આઉટ અને સ્ટમ્પિંગ અંગે પણ સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ફ્રેઝર સ્ટુઅર્ટે શું કહ્યું ?
MCC ક્રિકેટ વિભાગના વડા ફ્રેઝર સ્ટુઅર્ટે કહ્યું છે કે, 1લી ઓક્ટોબરથી નવા નિયમો અમલમાં આવનાર છે તે પહેલાં દિલ્હીમાં DDCAના અમ્પાયરો સાથે વાતચીત કરતા અમને ખૂબ આનંદ થાય છે. આ પ્રેક્ટિકલ સેશન દરમિયાન અમને નિયમોમાં થયેલા ફેરફારો વિશે ચર્ચા કરવાની અને મેદાન પર તેનો અમલ કેવી રીતે થશે તે સમજવાની તક મળી. અમને 'MCC Laws of Cricket' એપ હિન્દી ભાષામાં લોન્ચ કરતા પણ ખૂબ આનંદ થાય છે, જેનાથી ભારતમાં આ રમતને પ્રેમ કરતા અને અનુસરતા લોકો માટે નિયમો વધુ સરળતાથી ઉપલબ્ધ થશે.